પગલાં:જગતમંદિર ચોક સહિતના માર્ગો પર પથારા, સામાન સહિત દબાણો હટાવાયા
ચાર ધામ પૈકીના એક દેશના સુપ્રસિધ્ધ્ યાત્રાધામ દ્વારકાના આંગણે આગામી પવિત્ર અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો-યાત્રાળુઓ ઉમટી પડવાની શકયતાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરી યાત્રાળુઓને દર્શન માટે અવર જવર વેળા કોઇ મુશ્કેલી ન પડે સાથોસાથ ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે તે હેતુસર દ્વારકાના મંદિર ચોક સહિતના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં દબાણ હટાવવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે દરરોજ હજારો ભાવિકો ઉમટતા હોય, વર્ષ દરમિયાન સતત ભીડ રહેતી હોય છે, જ્યારે અધિક માસ દરમિયાન ભક્તોની સંખ્યામાં અનેકગણો વધારો થતો હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફૂટપાથ અને જાહેર માર્ગો પર દુકાનો બહાર મૂકવામાં આવેલા ટેબલ, સ્ટોલ, કેબલ, ડિસ્પ્લે સહિતના અનધિકૃત સામાન દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી અમોલ આવટેના માર્ગદર્શન હેઠળ પાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવી,પોલીસ ઇન્સપેક્ટર ટી.સી. પટેલ તથા તેમની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. દરમિયાન વેપારીઓ દ્વારા કરાયેલા દબાણો દૂર કરી માર્ગોને ખુલ્લા કરવામાં આવ્યા હતા. સમગ્ર અભિયાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોને પણ યાત્રાધામની સુવ્યવસ્થાને જાળવવામાં સહકાર આપવા તેમજ જાહેર માર્ગો પર સામાન ન મૂકવા અપીલ કરવામાં આવી છે. માર્ગો પર દબાણો સામે ઝુંબેશ યથાવત રહેશે
પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે, અધિક માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શનાર્થે આવવાના હોવાથી યાત્રાળુ ઓને સરળતાથી દર્શન થઈ શકે અને અવરજવર સુચારૂ રહે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. જાહેર માર્ગો પર થતા દબાણોને કારણે ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
Read Original Article →