આસ્થા:જગત મંદિરથી ગોમતી ઘાટ સુધી માનવમેદની, શહેરમાં ટ્રાફિક જામ

Gujarat5/26/2026, 12:00:00 AM
આસ્થા:જગત મંદિરથી ગોમતી ઘાટ સુધી માનવમેદની, શહેરમાં ટ્રાફિક જામ
ધર્મનગરી દ્વારકામાં ચાલી રહેલા પવિત્ર અધિક માસ સાથે ઉનાળુ વેકેશન કારણે યાત્રાળુઓ અને પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહયો છે. વહેલી સવારથી જ દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનાર્થે ભાવિકોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંગળા આરતી પહેલા જ સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર પાસે હજારો ભક્તો ઉમટી પડતાં સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. અધિક માસમાં ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી ગોમતીઘાટ સહિતના ઘાટો પર પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. કાળઝાળ ગરમી હોવા છતાં “જય દ્વારકાધીશ”ના જયઘોષ સાથે ભાવિકોએ કલાકો સુધી લાઈનમાં રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાધીશ જગત મંદિર ઉપરાંત બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રુકમણી મંદિર, શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ, મોગલ ધામ તથા હનુમાન દાંડી અને મોમાઈ બીચ જેવા સ્થળોએ પણ દિવસભર યાત્રાળુઓ સાથે જ પ્રવાસીઓનો ભારે પ્રવાહ નોંધાયો હતો. ખાસ કરીને શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ પર યુવાનો અને પરિવાર સાથે આવેલા સહેલાણીઓની વિશેષ ભીડ જોવા મળી હતી.જેના પગલે બેટ દ્વારકા જવા માટે ઓખા તરફ જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી, જ્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન માટે કલાકો સુધી રાહ જોવાની સ્થિતિ ઉભી થઈ હતી. પ્રવાસીઓની અસાધારણ સંખ્યાને કારણે સમગ્ર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. શહેરમાં પ્રવેશતા હાઈવે માર્ગો સહિત ખોડિયાર મંદિર, કાનદાસ બાપુ આશ્રમ, ચરકલા ફાટક, ઈસ્કોન ગેટ, રબારી ગેટ અને બસ સ્ટેશન વિસ્તાર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અનેક સ્થળોએ વાહનો કલાકો સુધી ધીમા ગતિએ આગળ વધતાં લોકો પરેશાન બન્યા હતા. શહેરના આંતરિક માર્ગો અને સાંકડા રસ્તાઓમાં પણ ભારે ટ્રાફિકને કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ સતત કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં વાહનોના દબાણ સામે વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ હતી. વેપારીઓમાં ઉત્સાહ, સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ યાત્રાળુઓના ભારે ધસારાને કારણે શહેરના વેપારીઓ, હોટલ વ્યવસાયકારો, રેસ્ટોરન્ટો અને નાના ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જયારે જુદી જુદી બજારોમાં દિવસભર ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. બીજી તરફ સ્થાનિક રહેવાસીઓએ ટ્રાફિક જામ, અવાજ પ્રદૂષણ અને અવરજવર સંબંધિત સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Read Original Article →