દ્વારકામાં પોલીસ-પ્રશાસન અને આગેવાનો વચ્ચે લોક દરબાર:યાત્રિક સુવિધા, ટ્રાફિક મુદ્દે રજૂઆત; SP વાળાનું સન્માન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના અધ્યક્ષસ્થાને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં યાત્રિક સુવિધા અને ટ્રાફિક સમસ્યા અંગે વેપારીઓ, સંસ્થાના હોદ્દેદારો અને સમાજના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અધિક માસ દરમિયાન દ્વારકાધીશના ધામે યાત્રિકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ પરિસ્થિતિમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આગેવાનો દ્વારા પોલીસ તંત્ર સમક્ષ ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થા અને યાત્રિકોને સરળ અવરજવર મળી રહે તે માટે નક્કર પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, દ્વારકા હોટલ એસોસિએશન, વેપારી સંસ્થાઓના હોદ્દેદારો, સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઈ સામાણી, રાજપૂત સમાજના પ્રમુખ પદુભા જાડેજા, હોટલ એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝખરીયા સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read Original Article →