સઘન તપાસ‎:જગતમંદિર પર પ્રતિબંધ હોવા છતાં એક જ દિવસમાં બે વખત ડ્રોન ઉડ્યા

Gujarat5/17/2026, 12:00:00 AM
સઘન તપાસ‎:જગતમંદિર પર પ્રતિબંધ હોવા છતાં એક જ દિવસમાં બે વખત ડ્રોન ઉડ્યા
યાત્રાધામ દ્વારકાના વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર ખાતે શનિવારે વહેલી સવારે પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. જગત મંદિર પરિસર સહિત દ્વારકામાં ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ હોવા છતાં lસાંજે ફરી ડ્રોન ઉડતું જોવા મળ્યાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. શનિવારે સવારે અંદાજે સાત વાગ્યાના સમયે જગત મંદિર ઉપર એક ડ્રોન કેમેરો ઉડતો જોવા મળ્યો હતો. ડ્રોન મારફતે મંદિર અને આસપાસના વિસ્તારનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હોવાની જાણ સ્થાનિક સુરક્ષા કર્મચારીઓને થતાં તુરંત તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સુરક્ષા તંત્ર દોડતું થયું હતું અને ડ્રોન સંચાલિત કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા શહેરમાં તેમજ ખાસ કરીને જગત મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા અંગે સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે દ્વારકા શહેરમાં વિવિધ સ્થળોએ ’ ડ્રોન પ્રતિબંધિત વિસ્તાર’ દર્શાવતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. છતાં કેટલીકવાર અજાણ્યા તત્વો વહેલી સવારના સમયે ઓછી ભીડ અને ઓછા નિયંત્રણનો લાભ લઈને મંજૂરી વિના ડ્રોન કેમેરાથી શૂટિંગ કરતા હોવાના બનાવો સામે આવતા રહ્યા છે.‌‌ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર નિયમભંગ જ નહીં પરંતુ સુરક્ષા દૃષ્ટિએ પણ ગંભીર માનવામાં આવે છે. ખાસ કરીને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને મંદિરની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. આ ઘટનાને પગલે મંદિર સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવાની તેમજ ડ્રોન ઉડાડનારા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ માહિતીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.આમ જનતા દ્વારા એવુ માનવામાં આવી રહ્યું છે કે, આવા લોકો કે જે પોતાના નિજી સ્વાર્થ માટે થઈ જગત મંદિર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગંભીર કહી શકાય તે રીતે ડ્રોન ઉડાડે છે અને શૂટિંગ કરે છે તેવા લોકોને પોલીસ પકડી તો લે છે પરંતુ તેના નિયમ ખૂબ જ હળવા હોય ફરી વખત આવા બનાવ બનતા રહે છે. જો પોલીસ દ્વારા કડક નિયમ બનાવવામાં આવે અને તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી તો આવતા દિવસોમાં આવા બનાવ ન બને. શનિવારે વહેલી સવાર બાદ સાંજે પણ ડ્રોન ઉડતા જોવા મળતા પોલીસ ધંધે લાગી હતી.
Read Original Article →