ભાણવડમાં પઠાણી ઉઘરાણીનો કેસ:6 આરોપીઓ સામે લાયસન્સ વગર વ્યાજખોરીનો ગુનો નોંધાયો
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર છ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 351(2) તેમજ ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ 2011ની કલમ 40, 42(એ) અને 42(ડી) હેઠળ કલમો લગાડવામાં આવી છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં રાણપરડા ગામના નજમાબેન જુમાભાઈ હીંગોરાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વેજાભાઈ દેવાભાઈ કારાવદરા, પુરીબેન કારાવદરા, જયાબેન ઉર્ફે જાનવીબેન, કાજલબેન, પ્રતાપભાઈ ખીસ્તરીયા અને સાગરભાઈ ગરેજા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ લાયસન્સ વગર કટકે કટકે કુલ 7 લાખ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું. આ રકમ પર 10 થી 30 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હતું. આરોપી નંબર એકે કોરા ચેક પર સહીઓ કરાવી એક ચેક પોતાની પાસે રાખ્યો હોવાનો પણ આક્ષેપ છે. આરોપીઓ દ્વારા આશરે 17 લાખ રૂપિયા જેટલી ઉઘરાણી કરવામાં આવી હતી, જેમાંથી 6 લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા વસૂલવામાં આવી હોવાનો દાવો છે. ફરિયાદીએ ધમકીઓ આપવાનો પણ આક્ષેપ કર્યો છે. આ કેસની તપાસ પો.સબ.ઇન્સ. બી.કે. કડછા કરી રહ્યા છે.
Read Original Article →