હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:ઈરાન અને US નેવી વચ્ચે ડ્રોન-રોકેટ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું મોત, 17ને બચાવી દુબઈ લઈ જવાયા
આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા તણાવનો ભોગ હવે ગુજરાતના સાગરખેડૂઓ બની રહ્યા છે. ગત 7મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોરમુઝ (Strait of Hormuz) માં ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબી ગયું છે. આ ઘટનામાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર નામના ખલાસીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ દિવ્ય ભાસ્કરને કરી હતી. આદમ ભાયાએ આ અંગેનો ઈમેલ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને પણ કર્યો છે અને મદદ માંગી છે. બચેલા 17 ખલાસીઓનો વિડીયો પણ આદમ ભાયાએ દિવ્ય ભાસ્કરને આપ્યો છે. ડ્રોન અને રોકેટથી હુમલામાં ખલાસીનું મોત, વહાણમાં પાણી ભરાતા ડૂબ્યું
સલાયાનું માલવાહક વહાણ MSV AL FAIZE NOORE SULEMANI-I (રજિસ્ટ્રેશન નં: BDI-1494) 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે આશરે 1:00 વાગ્યે જ્યારે વહાણ હોરમુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવી વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થયું હતું. આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં ગુજરાતનું વહાણ આવી ગયું હતું. ગોળીબારને કારણે વહાણને ગંભીર નુકસાન થયું હતું અને તેમાં પાણી ભરાવા લાગતા તે ડૂબવા લાગ્યું હતું. આ અફરાતફરી વચ્ચે એન્જિન રૂમમાં હાજર અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 17 ખલાસીઓને સલાયાના બીજા વહાણથી બચવાયા : આદમ ભાયા
દ્વારકાથી ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ કહ્યું કે વહાણ ફેઝે નૂરે સુલેમાની-1ના માલિક તરફથી માહિતી પ્રાપ્ત થઈ કે, આ વહાણમાં કુલ 18 માણસો તારીખ 7 મે 2026ના રોજ દુબઈથી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા. રાત્રે 12થી 1ની વચ્ચે જે અમેરિકાની ત્રણ નેવી શીપ બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી, એની પાછળ જ અમારું વહાણ હતું. આ દરમિયાન અચાનક ઈરાન અને યુએસની નેવી વચ્ચે ડ્રોન અને રોકેટથી ફાયરિંગ થવા લાગ્યું. એમાં એક ડ્રોન આવીને આ વહાણ પડ્યું, જેમાં અલતાફ તાલબ કેર નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને 'પ્રેમ સાગર' નામના સલાયાના જ એક વહાણથી બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે. અને આ માહિતી એસોસિએશનને વહાણના માલિકે આપી છે અને એના આધારે અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરી છે."
17 ખલાસીઓનો જીવ બચ્યો
વહાણ ડૂબવા લાગતા અન્ય ખલાસીઓએ જીવ બચાવવા માટે મથામણ શરૂ કરી હતી. સદનસીબે, નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ 'MSV પ્રેમ સાગર-I' એ મદદનો હાથ લંબાવ્યો હતો. આ વહાણે ડૂબી રહેલા 17 ખલાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા. બચાવવામાં આવેલા તમામ ખલાસીઓ 8 મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી
આ ઘટનાના સમાચાર સલાયા પહોંચતા જ સમગ્ર પંથકમાં અને માછીમાર સમાજમાં શોકની લહેર દોડી ગઈ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ તાત્કાલિક અસરથી દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને ઈમેલ લખીને આ અંગે જાણ કરી છે. અને મદદ માટે આ માંગણીઑ કરી છે : હાલમાં ભારતીય દૂતાવાસ આ મામલે સક્રિયતા દાખવી રહ્યું છે અને ખલાસીઓને ભારત પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને મકલેલો ઈમેલ :
Read Original Article →