ઓમાનના દરિયામાં ગુજરાતનું જહાજ 'હાજી અલી' ડૂબ્યું:હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ડ્રોન હુમલાની આશંકા, 14 ખલાસીઓનો ઓમાન કોસ્ટગાર્ડે બચાવ્યાં

Gujarat5/13/2026, 6:35:00 PM
ઓમાનના દરિયામાં ગુજરાતનું જહાજ 'હાજી અલી' ડૂબ્યું:હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ડ્રોન હુમલાની આશંકા, 14 ખલાસીઓનો ઓમાન કોસ્ટગાર્ડે બચાવ્યાં
આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું વધુ એક માલવાહક જહાજ 'હાજી અલી' (MSV HAJI ALI BDI 1492) દુર્ઘટનાનો શિકાર બની દરિયામાં ગરકાવ થઈ ગયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિનો ભોગ બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. વહેલી સવારે થયો પ્રચંડ વિસ્ફોટ ઘટનાની વિગતો મુજબ, MSV HAJI ALI બરબરા બંદરથી શારજાહ લાઇવ સ્ટોક ભરીને 13 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે જ્યારે ઓમાનના લિમાહ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ અજાણ્યો વિસ્ફોટક પદાર્થ સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ જહાજ સાથે અથડાયું હતું. આ અથડામણને કારણે જહાજ પર વિકરાળ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. 14 ખલાસીઓનું દિલધડક રેસ્ક્યુ જહાજ ડૂબવા લાગતા તેના પર સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓ સહિત કુલ 14 સભ્યોએ સમયસૂચકતા વાપરી હતી. તેમણે તાત્કાલિક લાઈફબોટનો સહારો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. સલાયામાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ ઘટના અંગે કહ્યું કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ 14 ખલાસીઓ સુરક્ષિત છે અને તેમના દસ્તાવેજો પણ સલામત છે. તેમને પરત લાવવા માટે ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે. સલાયામાં ચિંતાનો માહોલ માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં સલાયા બંદરનું આ બીજું જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અકસ્માતનો ભોગ બન્યું છે. આ અગાઉની અને વર્તમાન ઘટનાઓને જોતા સલાયાના શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ફાળ પડી છે. હાલમાં ઓમાન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો. ભારત સરકાર હવે આ ખલાસીઓને વહેલી તકે સ્વદેશ પરત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ કરે તેવી માંગ ઉઠી રહી છે. આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ અલ ફાઈઝ નૂર સુલેમાની-1 ડૂબતા કરોડોનું નુકશાન; એક ખલાસીનું મોત હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી ઈરાન-અમેરિકાની લડાઈમાં ક્રોસ ફાયરિંગમાં ગુજરાતના સલાયાનું એક જહાજ 7મેની રાત્રે ડૂબી ગયું છે તેમજ જહાજમાં સવાર 18 ક્રૂ મેમ્બર્સમાંથી એકનું મોત થયું છે. અન્ય 3 ને ઈજાઓ થઇ છે. આ તમામની સારવાર દુબઈમાં ચાલી રહી છે. આ જહાજ ડૂબી જવાથી જહાજ માલિકને કરોડોનું નુકસાન થયું છે, ઉપરાંત એક ખલાસીનું મોત થતા ભારત સરકાર પાસે મદદની માંગણી કરવામાં આવી છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
Read Original Article →