વઘઇ પોલીસે ઇંધણ બચત જાગૃતિ રેલી યોજી:લોકોને ઇંધણ બચાવવા અને પર્યાવરણ સુરક્ષિત રાખવા અપીલ
ડાંગ જિલ્લામાં ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા વઘઇ પોલીસ સ્ટેશન દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વઘઇ ટાઉન વિસ્તારમાં યોજાઈ હતી. વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણોના વધતા ઉપયોગ અને તેના કારણે ઊભી થતી પર્યાવરણની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ પહેલ હાથ ધરવામાં આવી હતી. રેલીનો મુખ્ય સંદેશ “ઇંધણ બચાવો, દેશ અને પર્યાવરણ બચાવો” હતો. આ કાર્યક્રમ માનનીય પ્રેમવીરસિંઘ અને પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીની રાહબરી હેઠળ યોજાયો હતો. વઘઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના આશરે 250 જેટલા જવાનો આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન જવાનો દ્વારા હાથમાં બેનરો સાથે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. માઇક દ્વારા નાગરિકોને ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવા, અનાવશ્યક વાહન વ્યવહાર ટાળવા અને કાર-પૂલિંગ જેવી પદ્ધતિઓ અપનાવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસે નજીકના અંતરે પગપાળા ચાલવા અથવા સાયકલનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી. વાહનનું નિયમિત મેન્ટેનન્સ રાખવાથી ઇંધણની બચત થતી હોવાની માહિતી આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ ખાસ અપીલ કરવામાં આવી હતી. વઘઇ પોલીસની આ પહેલ સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રહિતની ભાવના જગાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થઈ હતી. સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ જનહિતની કામગીરીને વખાણી હતી.
Read Original Article →