ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા:ઉનાળામાં 175 કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતથી તરસ છીપાવે છે વન્યજીવો
ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિભાગે કુલ 175 કુદરતી અને કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉભા કર્યા છે, જેના દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓની તરસ છીપાવવામાં આવી રહી છે. આ પહેલ વન્યજીવ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્તર ડાંગ વન વિભાગ આશરે 56,006 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં 8 રેન્જ કાર્યરત છે. આ વિસ્તારમાં પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ અને બાયોડાયવર્સિટી માટે જાણીતું પૂર્ણા વન્યજીવ અભ્યારણ્ય પણ આવેલું છે. અહીં વિવિધ પ્રકારના તૃણાહારી, માંસાહારી પ્રાણીઓ અને દુર્લભ પક્ષીઓ વસવાટ કરે છે. નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીના (IFS) ના માર્ગદર્શન હેઠળ, તમામ પરિક્ષેત્ર વન અધિકારીઓ અને ફોરેસ્ટ ફોર્સના જવાનો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ઉપરાંત કૃત્રિમ પાણીના કુંડ અને ટાંકા બનાવવામાં આવ્યા છે, જેમાં ટેન્કર દ્વારા નિયમિતપણે પાણી ભરવામાં આવે છે. વન વિભાગ દ્વારા પૂર્ણા અભ્યારણ્ય સહિત સમગ્ર ઉત્તર ડાંગ વિસ્તારમાં કુલ 76 કુદરતી અને 99 કૃત્રિમ પાણીના સ્ત્રોત કાર્યરત રાખવામાં આવ્યા છે. ક્ષેત્રિય વનકર્મીઓ દ્વારા આ સ્થળોની સતત દેખરેખ રાખવામાં આવે છે, જેથી ક્યાંય પણ પાણીની અછત ન સર્જાય. કૃત્રિમ પાણીના સ્ત્રોતોની આસપાસ ટ્રેપ કેમેરા ગોઠવી વન્યજીવોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં આ ટ્રેપ કેમેરામાં દુર્લભ ગણાતા 'ચોશિંગા' જેવા હરણ કુળના પ્રાણીની હાજરી નોંધાઈ છે. વન્યજીવો માટે પાણી અને સંરક્ષણની આ વ્યવસ્થા ઉત્તર ડાંગ વન વિભાગના પ્રતિબદ્ધ અભિગમને દર્શાવે છે.
Read Original Article →