સાપુતારામાં રહેણાંક વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો:સ્થાનિકો અને પ્રવાસીઓમાં ફેલાયેલી દહેશતનો અંત, હિલચાલ વાળા વિસ્તારોમાં 2 પાંજરા ગોઠવાયા હતા

Gujarat5/19/2026, 1:57:08 PM
સાપુતારામાં રહેણાંક વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો:સ્થાનિકો અને પ્રવાસીઓમાં ફેલાયેલી દહેશતનો અંત, હિલચાલ વાળા વિસ્તારોમાં 2 પાંજરા ગોઠવાયા હતા
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંક વિસ્તારોમાં દીપડાની વધતી અવરજવરે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ભય ફેલાવ્યો હતો. આ દરમિયાન સાપુતારાની સરોવર કોલોની નજીક આવેલ 'કલાકૃતિ આર્ટ એમ્પોરીયમ' વિસ્તારમાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલો દીપડો આખરે વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે. દીપડો પકડાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. CCTV ફૂટેજથી ભય વધ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, બે દિવસ પૂર્વે મોડી રાત્રે આ દીપડાએ સરોવર કોલોની પાસે એક શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાઈરલ થતા રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પ્રવાસન સીઝન ચાલતી હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો સાપુતારામાં ઉમટી રહ્યા છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર સુરક્ષા માટે મોટો પડકાર બની હતી. હોટલ એસોસિએશન અને સ્થાનિકોની રજૂઆત દીપડાની સતત અવરજવરને પગલે સાપુતારા હોટલ એસોસિએશન અને સ્થાનિકો દ્વારા વન વિભાગ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ, દીપડાના ડરને કારણે પ્રવાસીઓ રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળતા હતા, જેની અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ પડી રહી હતી. વન વિભાગનું ઓપરેશન આ મામલે સામગાહન રેન્જની વન વિભાગની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ વાળા વિસ્તારોમાં 2 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગત રાત્રે આ પૈકીના એક પાંજરામાં દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. હજુ પણ જોખમ યથાવત વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં હજુ પણ અન્ય 2 દીપડા હોવાની પ્રબળ શક્યતા છે. આથી વન વિભાગે સુરક્ષાના ભાગરૂપે વધુ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. વન વિભાગની અપીલ વન વિભાગે સ્થાનિકો અને પ્રવાસીઓને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સાવચેતી જાળવવા ખાસ તાકીદ કરી છે.
Read Original Article →