સાપુતારા ઘાટ પર BMW કારના સ્ટંટનો વીડિયો વાઈરલ:કાર ચાલકે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કર્યુ, પોલીસે ચાલક સામે તપાસ શરૂ કરી

Gujarat6/5/2026, 2:57:56 PM
સાપુતારા ઘાટ પર BMW કારના સ્ટંટનો વીડિયો વાઈરલ:કાર ચાલકે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કર્યુ, પોલીસે ચાલક સામે તપાસ શરૂ કરી
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાના ઘાટ માર્ગ પર BMW કાર ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કાર ચાલક જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતો અને સ્ટંટ કરતો જોવા મળે છે, જેના કારણે અન્ય વાહનચાલકો અને પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. સાપુતારા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. માહિતી અનુસાર, સાપુતારા ઘાટ માર્ગ પર BMW કારનો ચાલક ઝડપી ગતિએ વાહન ચલાવી જોખમી રીતે વળાંકો લેતો અને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોના મતે, ઘાટ માર્ગ સાંકડો અને વળાંકોવાળો હોવાથી આવી બેદરકારી ગંભીર અકસ્માત નોતરી શકે છે. એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો ઝડપથી વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક પોતાની મનોરંજન માટે જાહેર માર્ગનો ઉપયોગ કરી રહ્યો હતો અને અન્ય વાહનચાલકોની સુરક્ષાની પરવા કર્યા વિના જોખમી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. વાયરલ વીડિયોને કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે સાપુતારા જેવા પ્રવાસન સ્થળે આવી બેદરકારીભરી પ્રવૃત્તિઓને કડક હાથે અટકાવવી જોઈએ, કારણ કે અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચતા સાપુતારા પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ વીડિયોના આધારે કારની ઓળખ, વાહન નંબર અને ચાલકની વિગતો મેળવવા પ્રયાસ કરી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ બાદ સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર માર્ગ પર સ્ટંટ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ નિર્દોષ લોકોના જીવન માટે પણ ગંભીર ખતરો ઊભો કરી શકે છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે.
Read Original Article →