ડાંગના ઝરી ગામે પાણીની તીવ્ર સમસ્યા:ગ્રામજનો નદીના ખાડામાંથી પાણી ભરવા મજબૂર; "નલ સે જલ"ના દાવા પોકળ

Gujarat5/15/2026, 8:11:39 AM
ડાંગના ઝરી ગામે પાણીની તીવ્ર સમસ્યા:ગ્રામજનો નદીના ખાડામાંથી પાણી ભરવા મજબૂર; "નલ સે જલ"ના દાવા પોકળ
ગુજરાતના 'ચેરાપુંજી' તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ઝરી ગામના ગ્રામજનો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં નળ દ્વારા પાણી પુરવઠો અનિયમિત હોવાથી, ગ્રામજનો જંગલ વિસ્તારમાં આવેલી નદીઓ અને કોતરોમાં ખાડા ખોદીને પાણી મેળવવા મજબૂર બન્યા છે. મહિલાઓ અને બાળકોને પાણી માટે લાંબા અંતર સુધી ભટકવું પડે છે. ગ્રામજનોના મતે, નદીના ખાડામાંથી મળતું પાણી ઘણીવાર દૂષિત હોય છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોમાં પાણીજન્ય રોગો ફેલાઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જુથ પાણી પુરવઠા વિભાગ અને કાર્યપાલક કચેરીમાં અનેક રજૂઆતો છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. સરકાર "નલ સે જલ" યોજના હેઠળ દરેક ઘેર શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે ઝરી ગામના લોકો હજુ પણ આ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક ઝરી ગામમાં "નલ સે જલ" યોજના અમલમાં મૂકીને નિયમિત શુદ્ધ પાણી પહોંચાડવાની માંગ કરી છે. જો પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →