ડાંગમાં પાંચ વર્ષે ખીલ્યું સુરણનું દુર્લભ ફૂલ:સ્થાનિકો અને વનસ્પતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા, ગલકુંડ ગામમાં લોકોની ભીડઉમટી
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ ગામમાં એક દુર્લભ કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ રાવજીભાઈ ગરાસિયાના ખેતરમાં સુરણનું દુર્લભ ફૂલ ખીલ્યું છે, જે સ્થાનિકો અને વનસ્પતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે. સુરણનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજી તરીકે થાય છે, પરંતુ તેનું ફૂલ ખીલવું અત્યંત દુર્લભ ઘટના છે. ખેડૂત અનિલભાઈના જણાવ્યા અનુસાર, આ ફૂલ દર પાંચ વર્ષે એક જ વાર ખીલે છે. ખીલ્યા પછી થોડા સમયમાં તે કરમાઈ જાય છે. પાંચ વર્ષ પહેલાં પણ આવું જ ફૂલ જોવા મળ્યું હતું, અને હવે ફરીથી ખીલતાં ગામમાં આશ્ચર્ય અને ઉત્સાહનો માહોલ છે. આ અનોખી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામડાઓ અને આહવા નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગલકુંડ ગામ પહોંચી રહ્યા છે. અનિલભાઈના ખેતરમાં ફૂલ જોવા માટે લોકોની ભીડ જામી છે. ફૂલનો વિશાળ આકાર, તેની અનોખી રચના અને વિશિષ્ટ દેખાવ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્થાનિકો આ ફૂલને કુદરતનો એક ચમત્કાર માની રહ્યા છે. આ દુર્લભ વનસ્પતિ અંગે વૈજ્ઞાનિક રીતે વધુ જાણકારી મેળવવાની જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત અનિલભાઈ અને ગામલોકોએ ખેતીવાડી વિભાગ તેમજ કૃષિ વૈજ્ઞાનિકોને સ્થળ પર આવી સુરણના ફૂલના આ ચક્ર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અપીલ કરી છે. જો આ દિશામાં યોગ્ય સંશોધન થાય, તો ડાંગ જિલ્લાની સમૃદ્ધ જૈવવિવિધતા અંગે વધુ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. આનાથી ભવિષ્યની પેઢીઓ માટે કુદરતી સંપત્તિનું સંરક્ષણ પણ શક્ય બનશે.
Read Original Article →