ડાંગમાં સત્તા માટે રિસોર્ટ પોલિટિક્સ શરૂ:જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પહેલા ભાજપ-કોંગ્રેસ સભ્યોને ખસેડ્યા
ડાંગ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પરિણામો બાદ સત્તા કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સક્રિય થયા છે. ખાસ કરીને વઘઈ તાલુકા પંચાયતમાં ટાઈની સ્થિતિ સર્જાતા રાજકીય ચકચાર વ્યાપી છે. ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી છે. જિલ્લા પંચાયતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં હોવા છતાં, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને બંને પક્ષોમાં આંતરિક ગોઠવણો અને રાજકીય સાવચેતી જોવા મળી રહી છે. બીજી તરફ, વઘઈ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 8-8 બેઠકો મળતા સત્તા રચનાનો મામલો રસાકસીભર્યો બન્યો છે. આ ટાઈની સ્થિતિને કારણે બંને પક્ષોએ પોતાના ચૂંટાયેલા સભ્યોને એકજૂટ રાખવા ‘રિસોર્ટ પોલિટિક્સ’નો આશરો લીધો છે. સૂત્રો અનુસાર, તોડફોડ અને ક્રોસ વોટિંગના ભયને કારણે ભાજપે પોતાના ચૂંટાયેલા સભ્યોને સેલવાસના ખાનવેલ ખાતે ખસેડ્યા છે. જ્યારે કોંગ્રેસે પોતાના સભ્યોને સુરક્ષિત રાખવા માઉન્ટ આબુ લઈ જવાની વ્યવસ્થા કરી છે. બંને પક્ષો દ્વારા સભ્યો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે, જેથી ત્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. તેમ છતાં, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સુધી કોઈ જોખમ ન લેવાય તે માટે પક્ષ દ્વારા સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી માટે ચૂંટાયેલા સભ્યોને અલગ-અલગ સ્થળોએથી જિલ્લા કલેક્ટર કચેરી અને સંબંધિત તાલુકા પંચાયત કચેરીઓ ખાતે હાજર કરવામાં આવશે. વરણી પ્રક્રિયા પૂર્વે ડાંગ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. હવે સૌની નજર 23 મે અને 25 મેના રોજ થનારી સત્તાની અંતિમ તસવીર પર ટકેલી છે.
Read Original Article →