ડાંગના યશવંતભાઈ બાગુલનું જંગલ મોડેલ ફાર્મ:પ્રાકૃતિક કૃષિથી આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ બન્યું

Gujarat5/20/2026, 6:24:51 AM
ડાંગના યશવંતભાઈ બાગુલનું જંગલ મોડેલ ફાર્મ:પ્રાકૃતિક કૃષિથી આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ બન્યું
ગુજરાતના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં પ્રાકૃતિક કૃષિ નવી દિશામાં આગળ વધી રહી છે. આહવા તાલુકાના ભાપખલ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ બાગુલે જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું “જંગલ મોડેલ ફાર્મ” આજે કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2019માં આત્મા પ્રોજેક્ટ હેઠળ મળેલી તાલીમ અને પ્રેરણાથી યશવંતભાઈએ રાસાયણિક ખેતી છોડી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી. સરકારે આપેલી આશરે ત્રણ હેક્ટર પહાડી જંગલ જમીનને તેમણે પોતાની મહેનત અને કુદરતી અભિગમથી હરિયાળું મોડેલ ફાર્મ બનાવી દીધું છે. શરૂઆતમાં શોખ માટે વાવેલા ફળાઉ વૃક્ષો આજે 250થી વધુ પ્રકારના ફળ, શાકભાજી, ફૂલ અને ઔષધીય પાકોના સમૃદ્ધ જંગલમાં પરિવર્તિત થયા છે. આ ફાર્મમાં આંબા, ફણસ, સીતાફળ, રામફળ, લક્ષ્મણફળ, કાજુ, ચીકુ, ડ્રેગન ફ્રૂટ, મોસંબી, કેળા, અંજીર, કાળી હળદર અને ઇલાયચી સહિત અનેક પાકોની મિશ્ર ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત અડદ, મગ, તુવેર, સૂર્યમુખી, પાલક, મરચાં અને વિવિધ શાકભાજીનું ઉત્પાદન પણ થાય છે. મિશ્ર ખેતી પદ્ધતિને કારણે તેમને આખું વર્ષ સતત આવક મળી રહે છે. યશવંતભાઈ જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા દેશી ગાય આધારિત કુદરતી ઇનપુટ્સનો ઉપયોગ કરે છે. આનાથી જમીનની ફળદ્રુપતા અને ભેજમાં વધારો થયો છે, તેમજ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ જણાવે છે કે, જંગલ મોડેલ પદ્ધતિમાં ખેડાણ, ટ્રેક્ટર કે દવાનો ખર્ચ લગભગ થતો નથી, જેના કારણે નફાનું પ્રમાણ વધ્યું છે. આજે યશવંતભાઈ બાગુલનું જંગલ મોડેલ ફાર્મ માત્ર ખેતી જ નહીં, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ, વૈજ્ઞાનિક આયોજન અને ખેડૂત સશક્તિકરણનું જીવંત પ્રતીક બની ગયું છે.
Read Original Article →