ડાંગના ઝરી ગામે પાણીની સમસ્યા હલ થઈ:ધારાસભ્ય વિજયભાઈ પટેલની મહેનત રંગ લાવી; પૂર્ણા નદીમાંથી પાણી પહોંચાડાયું

Gujarat5/21/2026, 10:13:36 AM
ડાંગના ઝરી ગામે પાણીની સમસ્યા હલ થઈ:ધારાસભ્ય વિજયભાઈ પટેલની મહેનત રંગ લાવી; પૂર્ણા નદીમાંથી પાણી પહોંચાડાયું
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જાતે ગામની મુલાકાત લઈ આ સમસ્યાના નિવારણ માટે કામગીરી હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં સરેરાશ સારો વરસાદ હોવા છતાં, ડુંગરાળ અને ખડકાળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય છે, જેના પરિણામે ઉનાળામાં પાણીના સ્તર ઘટી જાય છે. સુબીર તાલુકાના ઝરી ગામમાં પણ આ જ સમસ્યા ઉભી થઈ હતી, જ્યાં પાંચ ફળિયા અને અંદાજે ૪,૫૦૦ જેટલી વસ્તી પીવાના પાણી માટે મુશ્કેલી અનુભવી રહી હતી. ઝરી ગામની પાણીની સમસ્યા અંગેના અહેવાલો બાદ ધારાસભ્ય વિજયભાઈ પટેલ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક સરપંચ અંકિતભાઈ બરડે, પાણી સમિતિના સભ્યો અને ગ્રામજનો સાથે બેઠક યોજી, પરિસ્થિતિની સમીક્ષા કરી અને તાત્કાલિક ઉકેલ માટે કામગીરી શરૂ કરાવી. ગ્રામજનોને તાત્કાલિક રાહત આપવા માટે પૂર્ણા નદીમાંથી ગામના કુવાઓમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત, અગાઉ અધૂરી રહેલી પાઇપલાઇનની કામગીરીને સ્વભંડોળના અનુદાનથી પૂર્ણ કરાવીને પાણી પુરવઠાની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરાયો. સાદડવિહિર જૂથ પાણી પુરવઠા યોજનામાંથી પણ સપ્તાહમાં બે થી ત્રણ દિવસ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ગ્રામજનોને નોંધપાત્ર રાહત મળી છે. સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને સંબંધિત તંત્ર દ્વારા પાણીની મૂળભૂત સમસ્યાના ઝડપી નિરાકરણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →