ડાંગ જૈવિક વિવિધતાનો અનોખો ખજાનો:વિશ્વ જૈવિક વિવિધતા દિવસે 'ગ્રીન પેરાડાઇઝ' પર વિશેષ નજર

Gujarat5/22/2026, 12:13:11 PM
ડાંગ જૈવિક વિવિધતાનો અનોખો ખજાનો:વિશ્વ જૈવિક વિવિધતા દિવસે 'ગ્રીન પેરાડાઇઝ' પર વિશેષ નજર
વિશ્વભરમાં દર વર્ષે 22 મેના રોજ “વિશ્વ જૈવિક વિવિધતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ પ્રકૃતિ, વનસ્પતિ, વન્યજીવો અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ વર્ષે “Acting Locally for Global Impact” થીમ સાથે ઉજવાતા આ દિવસમાં સ્થાનિક સ્તરે કરાયેલા પ્રયાસો દ્વારા વૈશ્વિક પર્યાવરણ સુરક્ષાનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના દક્ષિણ છેડે આવેલો ડાંગ જિલ્લો જૈવિક વિવિધતાનો અનોખો ખજાનો ગણાય છે. પશ્ચિમ ઘાટની હરિયાળી પહાડીઓ, ગીચ જંગલો, ખળખળ વહેતા ઝરણાં અને મનમોહક જળધોધો ડાંગને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ બનાવે છે. આ જ કારણે ડાંગને ‘ગ્રીન પેરાડાઇઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના જંગલોમાં અનેક પ્રકારની વનસ્પતિ, ઔષધીય છોડ અને સૂક્ષ્મજીવોનું વૈવિધ્ય જોવા મળે છે. આયુર્વેદમાં ઉપયોગી સતાવરી, બ્રાહ્મી અને સફેદ મૂસળી જેવી ઔષધીય વનસ્પતિ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. ચોમાસામાં આખો વિસ્તાર રંગબેરંગી જંગલી ફૂલોથી છલકાઈ ઉઠે છે, જેમાં ઓરચીડ જેવા પરોપજીવી ફૂલો અને વાંસની દુર્લભ પ્રજાતિઓ કુદરતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વાંસમાં આશરે 40 વર્ષે એકવાર આવતાં ફૂલો અને તેના પછી ઊગતી નવી પેઢી કુદરતી ચક્રનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ડાંગના જંગલો પતંગિયાઓની અનેક જાતિઓ માટે પણ જાણીતા છે. વરસાદ અને શિયાળાની ઋતુમાં રંગીન પાંખો સાથે ઉડતા પતંગિયાં સમગ્ર વાતાવરણને રમણીય બનાવે છે. ઉપરાંત, નાગ, ધામણ, કામળિયો જેવા સાપો તેમજ દીપડા, હરણ અને ઝરખ જેવા વન્યપ્રાણીઓ પણ અહીંના જંગલોમાં વસવાટ કરે છે. પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજતા ડાંગના જંગલો કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પરંપરાગત વિરાસતના સંગમ સમાન ડાંગ જિલ્લો પર્યાવરણ જાળવણી માટે પણ પ્રતિબદ્ધ છે. સમગ્ર જિલ્લાને “નો પ્લાસ્ટિક ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વ જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે ડાંગની આ અમૂલ્ય કુદરતી ધરોહરનું સંરક્ષણ કરવાની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે.
Read Original Article →