ડાંગની ફ્રેની ચૌધરીની BCCI અન્ડર-15 ટીમમાં પસંદગી:મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી

Gujarat5/21/2026, 2:12:52 PM
ડાંગની ફ્રેની ચૌધરીની BCCI અન્ડર-15 ટીમમાં પસંદગી:મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ ચીરાપાડા ગામની 13 વર્ષીય ફ્રેની એ. ચૌધરીની BCCI અન્ડર-15 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ સિદ્ધિથી ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ફ્રેનીને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. મુખ્યમંત્રીએ તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે, રમતગમત યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવે છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર "ખેલ મહાકુંભ" જેવી યોજનાઓ દ્વારા યુવાનોને પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપી રહી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફ્રેની ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરશે અને રાજ્યનું નામ રોશન કરશે. ડાંગ જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી આવેલી ફ્રેનીની આ સિદ્ધિ અનેક યુવતીઓ માટે પ્રેરણાદાયક છે. હાલમાં તે ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ તરફથી ઘરેલુ ક્રિકેટ સીઝનમાં અન્ડર-15 વન-ડે ટ્રોફીની પાંચ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. ડાંગ જિલ્લામાંથી રાજ્યસ્તરની મહિલા ક્રિકેટ સ્પર્ધામાં સ્થાન મેળવનાર તે પ્રથમ દીકરી છે. ફ્રેનીએ પાંચમા ધોરણથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. હાલમાં તે આઠમા ધોરણમાં અભ્યાસની સાથે નિયમિત ક્રિકેટ તાલીમ પણ લઈ રહી છે. તેના પિતા અરવિંદભાઈ ચૌધરી છેલ્લા 18 વર્ષથી ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વ્યસ્ત ફરજ હોવા છતાં તેમણે દીકરીને સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને તાલીમ માટે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. ક્રિકેટ ઉપરાંત ફ્રેની એક પ્રતિભાશાળી એથ્લેટ પણ છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી 600 મીટર દોડ સ્પર્ધામાં તે ચેમ્પિયન બની હતી. રમતગમત ક્ષેત્રે તેની સર્વાંગી પ્રતિભા અને અથાગ મહેનતને કારણે તેને જિલ્લામાંથી લઈને રાજ્યભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
Read Original Article →