ડાંગના એકના ડબલ કેસનો આરોપી બિહારથી ઝડપાયો:‘ઈવા ગ્રુપ’ના ડાયરેક્ટરે ₹15.40 લાખની છેતરપિંડી આચરી, રોકાણકારોને ચૂનો લગાવી ફરાર થયો હતો
ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ₹15.40 લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ‘ધ ઈવા ગ્રુપ’ કંપનીના ડાયરેક્ટરને બિહારથી ઝડપી પાડ્યો છે. આ કેસ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપી રાજેશકુમાર રામપ્રસાદ બિંદ (ઉં.વ. 35) એ રોકાણકારોને માર્કેટિંગ કંપનીમાં છ મહિનામાં મૂડી પરત અને સાત મહિનામાં રકમ ડબલ કરવાની લાલચ આપી હતી. તેણે કુલ ₹18.40 લાખનું રોકાણ કરાવ્યું હતું, જેમાંથી માત્ર ₹3 લાખ પરત આપી બાકીના ₹15.40 લાખની છેતરપિંડી કરી હતી. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા શરૂ કરાયેલા “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત” અભિયાન અંતર્ગત ફરાર આરોપીઓને પકડવા સૂચના અપાઈ હતી. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCB ના PSI જે.જી. અનડકટ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપી રાજેશકુમાર પોતાની ધરપકડ ટાળવા સતત અલગ-અલગ રાજ્યોમાં સરનામાં બદલતો હતો. LCB ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તેને ભુવનેશ્વર (ઓડિશા), હાવડા (પશ્ચિમ બંગાળ) અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ-બિહાર બોર્ડર નજીક આવેલા કૈમુર જિલ્લાના લેદરી ગામ સુધી ટ્રેક કર્યો. ટીમે ટ્રેન, બસ અને ઓટો રિક્ષા મારફતે આશરે 4,700 કિલોમીટરની મુસાફરી કરી હતી. લેદરી ગામમાં ભારે વરસાદ અને કાદવ-કીચડ વચ્ચે સાંકડા રસ્તાઓ પર પગપાળા પહોંચી પોલીસે આરોપીના ઘરને કોર્ડન કર્યું. પોલીસને જોઈ આરોપી ઘરની અગાસી પરથી પડોશી મકાનો તરફ કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ LCB ટીમે પીછો કરી તેને ઝડપી પાડ્યો. પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે બિહારથી ડાંગ લાવી આહવા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં PSI જે.જી. અનડકટ સહિત LCB ની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Read Original Article →