ડાંગમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે 255 ઉમેદવારી ફોર્મ ભરાયા:ભાજપમાં નારાજગી, પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો

Gujarat4/11/2026, 2:49:33 PM
ડાંગમાં જિલ્લા-તાલુકા પંચાયત માટે 255 ઉમેદવારી ફોર્મ ભરાયા:ભાજપમાં નારાજગી, પૂર્વ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 255 નામાંકન નોંધાયા છે. આ સાથે ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ઊભી થયેલી નારાજગી અને બળવાખોરીએ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર કર્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે 87 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. આહવા તાલુકામાં 38, વઘઈમાં 30 અને સુબીરમાં 19 ફોર્મ ભરાયા છે. ત્રણેય તાલુકા પંચાયતોની કુલ 48 બેઠકો માટે 168 ઉમેદવારી પત્રો નોંધાયા છે. જેમાં આહવામાં 45, વઘઈમાં 55 અને સુબીરમાં 68 ફોર્મ રજૂ થયા છે. ચૂંટણીના આગામી તબક્કા મુજબ, 13 એપ્રિલે તમામ ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારો 15 એપ્રિલ સુધી પોતાના ફોર્મ પરત ખેંચી શકશે, ત્યારબાદ જ વાસ્તવિક ચૂંટણી મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમિયાન ભાજપમાં ટિકિટ વિતરણને લઈને નારાજગી જોવા મળી રહી છે. પક્ષના જૂના અને પ્રભાવશાળી કાર્યકર્તાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. શામગહાન જિલ્લા બેઠક પરથી ટિકિટ ન મળતા કમળીબેન અર્જુનભાઈ ગવળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જે ભાજપ માટે સીધો પડકાર બની શકે છે. બીજી તરફ, શિવારીમાળ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ ન મળતા પૂર્વ ભાજપ તાલુકા ઉપપ્રમુખ બાળવંત દેશમુખે પક્ષ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ પણ પક્ષપલટો કર્યો હોવાનું જાણવા મળે છે, જેનાથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. જિલ્લાની કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર ભાજપના નેતાઓમાં અસંતોષ અને પક્ષવિમુખતા વધતા, આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિ જોતા ડાંગ જિલ્લામાં આ વખતે ત્રિપાંખિયો અને કટોકટીભર્યો મુકાબલો જોવા મળશે તેવું મનાઈ રહ્યું છે.
Read Original Article →