ડાંગ કલેક્ટર શાલિની દુહાન, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલની બદલી:અધિકારીઓ, કર્મચારીઓએ વિદાય આપી; મહેસાણા, વડોદરામાં નવી નિમણૂક
ડાંગ જિલ્લા વહીવટી તંત્રમાં કલેક્ટર શાલિની દુહાન અને પ્રાયોજના વહીવટદાર આનંદ અશોક પાટીલની બદલી થતાં તેમને વિદાય આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં આ બદલીઓ અને બઢતી કરવામાં આવી છે. આહવા ખાતે યોજાયેલા વિદાય સમારંભમાં નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, વિવિધ વિભાગોના અધિકારીઓ, મહેસુલી કર્મચારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર શાલિની દુહાને ડાંગ જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ સફળતાપૂર્વક પાર પાડી હતી. તેમણે જિલ્લાની વિષમ પરિસ્થિતિ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચૂંટણીલક્ષી કામગીરી, VVIP મૂવમેન્ટ તેમજ ડાંગ દરબાર જેવા મોટા કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. તેમણે દુર્ગમ ગામડાઓ સુધી પહોંચી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મહેસુલી સેવાઓને અસરકારક બનાવવામાં અને સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને વધુ ફળદાયી બનાવવામાં તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ખેતીવાડી વિભાગને “સિલ્વર સ્કોચ એવોર્ડ” અને ડાંગ પોલીસને “દેવી પ્રોજેક્ટ” માટે “ગોલ્ડ સ્કોચ એવોર્ડ” મળ્યા હતા. રાજ્ય સરકારે તેમને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ, ડાંગના પ્રાયોજના વહીવટદાર આનંદ અશોક પાટીલને જિલ્લા વિકાસ અધિકારી તરીકે વડોદરામાં બઢતી મળતા તેમને પણ વિદાય આપવામાં આવી હતી. ટૂંકા સમયગાળામાં તેમણે આદિજાતિ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમણે EMRSની નવી મંજૂરી, આશ્રમશાળાઓ અને હોસ્ટેલ સુવિધાઓ, જમીન મંજૂરી સહિત અનેક અટકેલી કામગીરીને ગતિ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદાય સમારંભમાં ઉપસ્થિત અધિકારીઓએ બંને અધિકારીઓની કામગીરીને યાદ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →