ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે સ્વ-જનગણના પ્રક્રિયા પૂર્ણ કરી:નાગરિકોને રાષ્ટ્ર નિર્માણના મહાઅભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો
ડાંગ જિલ્લામાં વસ્તી ગણતરી-2027 અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયાને વેગ આપવા કલેક્ટર એન.ડી. પરમારે પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે સ્વ-જનગણના પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાની અને પરિવારની વિગતો ભરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ સાથે તેમણે જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી-2027 દેશના વિકાસ અને ભવિષ્યના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત રાજ્યમાં સ્વ-ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નાગરિકો આગામી 31 મે સુધી ઓનલાઇન પોર્ટલ મારફતે પોતાની માહિતી નોંધાવી શકશે. કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે નાગરિકો સત્તાવાર પોર્ટલ પર સરળતાથી પોતાની અને પરિવારની માહિતી ઓનલાઇન નોંધાવી શકે છે. તેમણે અપીલ કરી કે સાચી અને સમયસરની માહિતી દેશના સર્વાંગી વિકાસ, માળખાકીય સુવિધાઓના આયોજન અને વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અત્યંત ઉપયોગી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે ઓનલાઇન સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન જિલ્લામાં ઘરયાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. આ સમયગાળામાં ગણતરીદારો ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે. તેમણે નાગરિકોને સંપૂર્ણ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. કલેક્ટરે ડાંગ જિલ્લાના નાગરિકોને સંબોધતા કહ્યું કે વસ્તી ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ અને ભવિષ્યના આયોજન માટે મજબૂત પાયાનું કામ છે. તેમણે દરેક નાગરિકને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજી આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અનુરોધ કર્યો.
Read Original Article →