ડાંગમાં 3 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ:સાંસદ, ધારાભ્ય સહિત નેતાઓએ આપી લીલી ઝંડી ; અંતરિયાળ વિસ્તારોને મળશે ઝડપી આરોગ્ય સુવિધા

Gujarat6/4/2026, 8:44:15 AM
ડાંગમાં 3 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ:સાંસદ, ધારાભ્ય સહિત નેતાઓએ આપી લીલી ઝંડી ; અંતરિયાળ વિસ્તારોને મળશે ઝડપી આરોગ્ય સુવિધા
ડાંગ જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ન્યુ ગુજરાત પેટર્ન યોજના 2024-25 અંતર્ગત જિલ્લાના ગલકુંડ, ઝાવડા અને શિંગાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) માટે રૂ. 44.70 લાખના ખર્ચે ખરીદવામાં આવેલી ત્રણ નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ ડાંગ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીત સહિતના મહાનુભાવોએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી. લોકાર્પણ સમારોહને સંબોધતા સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડાંગ જેવા અંતરિયાળ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધુ સુલભ બને તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ નવી એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ થતાં ગલકુંડ, ઝાવડા, શિંગાણા સહિત આસપાસના દૂરના ગામોના નાગરિકોને કટોકટીના સમયે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે. ડાંગ જિલ્લાના અનેક ગામો જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા હોવાથી દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાતી હતી. નવી અદ્યતન એમ્બ્યુલન્સો કાર્યરત થતાં માતૃત્વ સેવા, અકસ્માત, ગંભીર બીમારી તેમજ અન્ય ઇમરજન્સી પરિસ્થિતિઓમાં દર્દીઓને ઝડપી તબીબી સહાય મળી શકશે. જેના કારણે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →