વિશ્વ પર્યાવરણ દિને આહવામાં યોગ અને વૃક્ષારોપણ કાર્યક્રમ:નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “એક પેડ માં કે નામ 3.0” અભિયાનને વેગ અપાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વન વિભાગ, ડાંગના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર અને “એક પેડ માં કે નામ 3.0” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. “પ્રકૃતિ અને યોગ જનજાગૃતિ માટે” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સુરક્ષાકર્મીઓ, વનકર્મીઓ અને યોગપ્રેમીઓ જોડાયા હતા. આ પ્રસંગે વિજયભાઈ પટેલે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, “વન છે તો જીવન છે, વન વગરનું જીવન નક્કામું છે.” તેમણે ઉમેર્યું કે ડાંગ જિલ્લાની ઓળખ તેના સમૃદ્ધ જંગલો અને પ્રાકૃતિક સૌંદર્યથી થાય છે, ત્યારે વનોનું જતન અને સંરક્ષણ કરવું દરેક નાગરિકની ફરજ છે. તેમણે દરેક શુભ પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાની અપીલ પણ કરી હતી. યોગના મહત્વ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. યોગ જીવનમાં શિસ્ત, સંયમ અને સકારાત્મકતા લાવી તણાવમુક્ત જીવન જીવવામાં મદદરૂપ બને છે. સાથે જ તેમણે ડાંગને પ્લાસ્ટિકમુક્ત જિલ્લો બનાવવા તથા પાણી અને વીજળીનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવતો અવસર છે. તેમણે જંગલો અને કુદરતી સંસાધનોના સંરક્ષણને દરેક નાગરિકની નૈતિક જવાબદારી ગણાવી હતી. યોગ વિશે તેમણે જણાવ્યું કે યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન જાળવવાની જીવનશૈલી છે. આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. ત્યારબાદ “પ્રકૃતિથી પ્રેરિત, આપણાં માટે અને આપણા ભવિષ્ય માટે”ના સંદેશ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગ સમર કેમ્પમાં સહયોગ આપનાર વ્યક્તિઓને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
Read Original Article →