આહવા જેલમાંથી ફરાર બે કેદીમાંથી એક ઝડપાયો:બીજો ફરાર હજુ પણ પોલીસ પકડથી દૂર, ચાર જેલગાર્ડ સામે નોંધાયો છે ગુનો
ડાંગ જિલ્લાની આહવા સબ જેલમાંથી પોક્સો અને હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જોકે, પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
જેલગાર્ડને ધક્કો મારી બેરેકમાંથી ભાગી ગયા
પ્રાથમિક માહિતી મુજબ, જેલમાં બંધ આરોપીઓએ પેટમાં દુઃખાવાનું બહાનું કાઢી જેલ સ્ટાફને બેરેકનું તાળું ખોલવા માટે સમજાવ્યા હતા. તાળું ખુલતા જ બંને આરોપીઓએ જેલગાર્ડને ધક્કો મારી અંધારાનો લાભ લઈ જેલ પરિસરમાંથી ભાગી છૂટ્યા હતા. જેલના મુખ્ય દરવાજા પર તાળું નહોતું
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જેલના મુખ્ય દરવાજા પર તાળું નહોતું. આ હકીકતે જેલની સુરક્ષામાં રહેલી ગંભીર ખામીઓ ઉજાગર કરી છે અને જેલ પ્રશાસનની બેદરકારી સામે પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જેલ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સક્રિય થયા હતા. ફરાર આરોપીઓને પકડવા માટે ડાંગ જિલ્લા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની હિલચાલ અંગે તપાસ તેજ કરવામાં આવી હતી. ફરાર આરોપી વિજય ધૂમ હજુ પોલીસ પકડથી દૂર
પોલીસની સઘન કામગીરીના પરિણામે ફરાર આરોપી ગિરીશ ભોયેને ઝડપી લેવામાં સફળતા મળી છે. જોકે, અન્ય ફરાર આરોપી વિજય ધૂમ હજુ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ માટે વિશેષ ટીમો કાર્યરત છે. ચાર જેલગાર્ડ સામે બેદરકારીનો ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે પોલીસે ચાર જેલગાર્ડ સામે પણ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં ફરજમાં બેદરકારી અને સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ સામે આવતાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ આહવા સબ જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
Read Original Article →