ડાંગમાં વસ્તી ગણતરી-2027ની તૈયારીઓ તેજ બની:આહવામાં 200 ગણતરીદારોને તાલીમ, નાગરિકો ઓનલાઈન નોંધણી કરી શકશે

Gujarat5/19/2026, 9:23:13 AM
ડાંગમાં વસ્તી ગણતરી-2027ની તૈયારીઓ તેજ બની:આહવામાં 200 ગણતરીદારોને તાલીમ, નાગરિકો ઓનલાઈન નોંધણી કરી શકશે
ડાંગ જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027 માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા હેઠળ 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન "હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ" હાથ ધરાશે. આ પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે 17 મેથી 31 મે સુધી "સેલ્ફ-એન્યુમેરેશન"ની વિશેષ સુવિધા પણ શરૂ કરાઈ છે. આહવા તાલુકા કક્ષાએ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 35 સુપરવાઇઝર સહિત કુલ 200 ગણતરીદારોએ ભાગ લીધો. તાલીમ દરમિયાન તેમને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ, ડેટા સુરક્ષા, માહિતી નોંધણી અને ગણતરીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું. જિલ્લા કક્ષાએ નિયુક્ત નોડલ અધિકારી પિંન્ટસીંગના માર્ગદર્શન હેઠળ ત્રણેય તાલુકાઓમાં તાલીમનું આયોજન કરાયું છે. સુબીર તાલુકાની તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે વઘઇ તાલુકાની તાલીમ આજથી શરૂ થશે. સરકાર દ્વારા શરૂ કરાયેલ se.census.gov.in પોર્ટલ મારફતે નાગરિકો હવે વસ્તી ગણતરીના અધિકારી ઘરે પહોંચે તે પહેલાં જ પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. સેલ્ફ-એન્યુમેરેશન પ્રક્રિયા ચાર તબક્કા અને નવ પગલાંમાં વહેંચાયેલી છે. તેમાં પ્રાથમિક રજિસ્ટ્રેશન, ઓટીપી વેરિફિકેશન, લોકેશન સેટિંગ, પરિવારની વિગતોની એન્ટ્રી, પ્રિવ્યૂ ચકાસણી અને અંતે ફાઈનલ સબમિશન જેવી પ્રક્રિયાઓ સામેલ છે. ફાઈનલ સબમિટ કર્યા બાદ 11 આંકડાનો "SE ID" જનરેટ થશે, જે મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે. જ્યારે વસ્તી ગણતરીનો કર્મચારી ઘરની મુલાકાત લેશે, ત્યારે આ ID બતાવવાથી ઓનલાઈન નોંધાવેલી વિગતોની ખરાઈ કરવામાં આવશે. આ ડિજિટલ પદ્ધતિ વસ્તી ગણતરીને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવશે તેવી અપેક્ષા છે.
Read Original Article →