હિટ એન્ડ રન:હડમતમાં હિટ એન્ડ રન ટ્રકની ટક્કરે કિશોરનું મોત

Gujarat5/12/2026, 2:14:58 AM
સુખસર પોલીસ મથકની હદમાં આવતા હડમત ગામે ગત રાત્રિએ એક અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા 16 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ પહોંચી છે. ફતેપુરા તાલુકાના વાંગડ ગામે રહેતો 20 વર્ષીય ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પારણી તેની મોટરસાયકલ લઈને પસાર થતી વખતે તેની પાછળ 16 વર્ષીય અશ્વિનભાઈ વાલસીંગભાઈ ચરપોટ બેઠેલો હતો. રાત્રિના 9.20 વાગ્યાના સુમારે હડમત ગામના ગળી ફળીયા રોડ પર એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલની પાછળ બેઠેલા અશ્વિનભાઈને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘનશ્યામભાઈને ખભા, શરીરના ભાગે ઇજાઓ થઈ હતી. બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈ ફરાર થતા સુખસર પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →