પ્રાકૃતિક ખેતીને ગુજરાત સરકારનો વેગ:ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક સાથે તાલીમ અને માર્ગદર્શન મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતી અપનાવવાના આહવાનને ગુજરાત સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. રાજ્યમાં ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે અને રાસાયણિક ખેતીમાંથી મુક્તિ મેળવી શકે તે હેતુથી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. પ્રાકૃતિક ખેતીને ગુજરાત સરકારનો વેગ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત અને ઘનજીવામૃતના નિર્માણ માટે સરકારે માળખાકીય સુવિધા પૂરી પાડવાની યોજના શરૂ કરી છે. આ અંતર્ગત ગૌશાળા, સહકારી સંસ્થા અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને 50 ટકા અથવા ₹1,20,000 સુધીની મર્યાદામાં સહાય મળે છે. સખી મંડળ અને ખેડૂત ગ્રુપને 50 ટકા અથવા ₹60,000 સુધીની મર્યાદામાં આર્થિક સહાય અપાય છે. આ સહાય HDPE ટાંકી અને પાકા ભોંયતળિયા જેવી પાયાની સુવિધાઓ માટે છે. ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી પર ભાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ જ્ઞાન મળે તે માટે તેમના ખેતરો પર મોડેલ ફાર્મ વિકસાવવામાં આવી રહ્યા છે. દેશી ગાય ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં બીજામૃત, જીવામૃત, પાક સંરક્ષણ સાધનો અને બિયારણ માટે ₹13,500 સુધીની સહાય મળે છે. આ ઉપરાંત, મોડેલ ફાર્મ પર તાલીમ અને માર્ગદર્શન માટે પણ ₹5,000 સુધીની જોગવાઈ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને જમીન પર જ શીખવાની ઉત્તમ તક મળે છે. ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનને વેગ વ્યાપક જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર નિઃશુલ્ક તાલીમ અને પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરે છે. વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને તાલીમ સંસ્થાઓ દ્વારા વિસ્તરણ કાર્યકર્તાઓ તેમજ ખેડૂતોને આધુનિક પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવે છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ સફળ પ્રાકૃતિક ખેડૂતોના કાર્યને નજરે જોઈને અન્ય ખેડૂતોને આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે. પર્યાવરણ અને ખેતી બંનેને લાભ આ અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ કોન્કલેવ, મેગા શિબિર, કૃષિ મેળાઓ અને પ્રદર્શનોનું આયોજન થાય છે. આ મંચો દ્વારા માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ કૃષિ નિષ્ણાતો અને ગ્રાહક વર્ગને પણ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી વાકેફ કરાય છે. આ તમામ યોજનાઓનો લાભ મેળવવા અને વિસ્તૃત જાણકારી માટે ખેડૂતોએ પ્રોજેક્ટ ડાયરેક્ટર-આત્માની જિલ્લા કચેરીનો સંપર્ક કરવો હિતાવહ છે. સરકારની આ કટિબદ્ધતાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ઉત્તરોત્તર વધી રહ્યો છે.
Read Original Article →