કાર્યવાહી:કતવારામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝબ્બે : 55 હજારની દવા જપ્ત

Gujarat6/4/2026, 12:07:10 AM
કાર્યવાહી:કતવારામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝબ્બે : 55 હજારની દવા જપ્ત
દાહોદ તાલુકાના કતવારાના નિશાળ ફળીયામાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વિના ગેરકાયદે રીતે ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતા બોગસ તબીબને દાહોદ એસ.ઓ.જી.ની ટીમે રેઇડ પાડીને ઝડપી લીધો હતો. પોલીસ ક્લિનિકમાંથી સારવાર માટે રાખેલી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધન-સામગ્રી સહિત કુલ રૂા.55,002નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ એસઓજી પીઆઈ એસજે રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસયુ જોષી અને ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે કતવારાના નિશાળ ફળીયામાં એક શખ્સ પોતાના મકાનમાં ‘કુસુમ' નામનું ક્લિનિક ખોલીને ડિગ્રી વગર ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થાનિક સરકારી મેડિકલ ઓફિસરને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન કતવારાનો રહેવાસી 30 વર્ષીય મેહુલકુમાર કિશોરભાઇ હાડા નામનો યુવક દર્દીઓની સારવાર કરતો રંગેહાથ ઝડપાયો હતો. તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટેનું કોઈ લાઇસન્સ નહોતું. પોલીસે આરોપી સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
Read Original Article →