દેવગઢ બારીઆમાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો સપાટો:1 હીટાચી મશીન, 10 ટ્રક જપ્ત; 2 કરોડનો મુદ્દામાલ કબજે
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં પાનમ નદીમાંથી ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એક હીટાચી મશીન અને દસ ઓવરલોડ રેતી ભરેલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે 2 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ વધી રહી હતી. ખાસ કરીને દેવગઢ બારીઆ વિસ્તારમાંથી પસાર થતી પાનમ નદીના પટમાં રાત્રિના સમયે મોટા પાયે રેતી ચોરી થતી હોવાની ફરિયાદો સ્થાનિક સ્તરેથી મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનિજ વિભાગે તપાસ હાથ ધરી હતી. ખાણ-ખનિજ વિભાગની ટીમે મોજે-બૈણા પાનમ નદીપટ વિસ્તારમાં દરોડો પાડી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા એક હીટાચી મશીનને ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત, બારીયા-પીપલોદ રોડ પરથી સાદી રેતીનું ગેરકાયદેસર અને ઓવરલોડ વહન કરતા દસ ટ્રકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ આકસ્મિક કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાંથી કાઢવામાં આવતી રેતીનો મોટો જથ્થો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાં મોકલવામાં આવે છે. રેતી માફિયાઓ રોયલ્ટીની ચોરી કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. નદીના પટમાં જેસીબી અને હીટાચી મશીનોના ઉપયોગથી ઊંડા ખાડા થવાથી નદીના કુદરતી વહેણ અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
Read Original Article →