સ્માર્ટ સિટી દાહોદના વણઝારવાડમાં હવે પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો:વોર્ડ નંબર 7 માં બનેલી પાણીની ટાંકી ફરી કાર્યરત થતા લોકોમાં ખુશીનો માહોલ
દાહોદના વોર્ડ નંબર 7 માં આવેલા વણઝારવાડ વિસ્તારમાં લાંબા સમયથી બંધ પડેલી પીવાના પાણીની ટાંકી કાઉન્સિલર વ્રજ શાહની રજૂઆત બાદ ફરી શરૂ કરવામાં આવી છે. આનાથી સ્થાનિક રહીશોને પાણીની સમસ્યામાંથી રાહત મળી છે. સ્માર્ટ સિટી દાહોદમાં વહીવટી તંત્રની ઉદાસીનતા અને જાળવણીના અભાવે નાગરિકોને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે છે. વણઝારવાડમાં પીવાના પાણીની ટાંકી લાંબા સમયથી બંધ હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ઉનાળાની શરૂઆત થતાં જ આ સમસ્યા વધુ ગંભીર બની હતી.સ્થાનિક લોકોએ પોતાની સમસ્યા કોંગ્રેસના કાઉન્સિલર વ્રજ શાહ સમક્ષ રજૂ કરી હતી. કાઉન્સિલર શાહે આ બાબતની ગંભીરતા સમજીને દાહોદ નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે તંત્રને જણાવ્યું હતું કે જો સ્માર્ટ સિટીમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી ન મળે તો તે પ્રોજેક્ટ પર સવાલ ઊભા થાય છે.કાઉન્સિલરની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર સક્રિય થયું હતું. જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી અને બંધ ટાંકીને પુનઃ કાર્યરત કરવાની સૂચના આપી હતી. નગરપાલિકાના ટેકનિકલ સ્ટાફે ઝડપથી કામગીરી હાથ ધરીને ટાંકીને ગણતરીના કલાકોમાં જ શરૂ કરી દીધી હતી.પાણીની ટાંકી ફરી કાર્યરત થતાં વણઝારવાડ વિસ્તારના સેંકડો પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાણીના અભાવે તેમને દૈનિક કામકાજમાં મુશ્કેલી પડતી હતી અને ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડતું હતું. હવે તેમને ઘરે બેઠા પૂરતા દબાણથી પાણી મળી રહ્યું છે.નોંધનીય છે કે કાઉન્સિલર વ્રજ શાહ ચૂંટણી જીત્યા બાદ પણ સતત જનતાની વચ્ચે રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે.
Read Original Article →