દાહોદમાં 607 ટીબી દર્દીઓ મળ્યા:મોબાઇલ વાન દ્વારા 26,414 લોકોનું સ્ક્રીનિંગ, 2,389 નાટ ટેસ્ટ કરાઈ
દાહોદ જિલ્લામાં 'ટીબી મુક્ત ભારત અભિયાન' હેઠળ 100 દિવસીય સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત અંતરિયાળ અને હાઈ રિસ્ક વિસ્તારોમાં મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પ્રયાસોના પરિણામે 607 ટીબીના દર્દીઓને શોધી કાઢવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન કુલ 26,414 શંકાસ્પદ લાભાર્થીઓનું ડિજિટલ એક્સ-રે સ્ક્રીનિંગ કરાયું હતું. રોગના સચોટ નિદાન માટે, જરૂરિયાત મુજબ 2,389 લાભાર્થીઓની મોલેક્યુલર પદ્ધતિ (NAAT) દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. આ પદ્ધતિથી ટીબીના બેક્ટેરિયાની વહેલી અને ચોક્કસ ઓળખ શક્ય બની છે, જે દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરવા માટે મહત્વપૂર્ણ છે. આરોગ્ય કેમ્પો માત્ર ટીબીની તપાસ પૂરતા મર્યાદિત ન હતા. અહીં આવતા ગ્રામીણ લાભાર્થીઓના વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોનું પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. એક જ સ્થળે બહુમુખી આરોગ્ય સેવાઓ મળતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ તેનો લાભ લીધો હતો, જેનાથી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ પણ વધી છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીઓના નેતૃત્વ હેઠળ મજબૂત માળખું કાર્યરત હતું. મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, એક્સ-રે ટેકનિશિયન, પીએચસી સુપરવાઈઝર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) સહિતની આરોગ્ય ટીમોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પાયાના સ્તરે કાર્યરત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફીમેલ હેલ્થ વર્કર (FHW), આશા ફેસિલિટેટર અને આશા બહેનોએ વ્યક્તિગત સંપર્ક દ્વારા લોકોને કેમ્પ સુધી લાવવામાં અને ફોલોઅપ લેવામાં પ્રશંસનીય યોગદાન આપ્યું હતું. આવા સંગઠિત પ્રયાસોથી દાહોદ જિલ્લો ટીબી મુક્ત ભારતના લક્ષ્ય તરફ મજબૂત પગલાં ભરી રહ્યો છે.
Read Original Article →