ગુજરાતમાં પહેલીવાર, એક ઉમેદવાર ત્રણેય પાર્ટીમાંથી લડશે?:ભરતસિંહ વાખળાએ પહેલા આપ, પછી કોંગ્રેસ ને હવે ભાજપથી ઉમેદવારી નોંધાવી; દાહોદની એક જિ.પં. 'ટોક ઓફ ધ સ્ટેટ' બની
દાહોદના ધાનપુરમાં આવેલી પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર એક અકલ્પનીય રાજકીય કિસ્સો સામે આવ્યો છે. અહીં ભરતસિંહ વાખળા નામના ઉમેદવારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોના સત્તાવાર મેન્ડેટ સાથે ફોર્મ ભરીને ભારે ચર્ચા જગાવી છે. આ મુદ્દો અત્યારે માત્ર દાહોદ માટે જ નહીં પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે. કેવી રીતે પાર પાડ્યું આ 'મિશન ઈમ્પોસિબલ'?
ભરતસિંહ વાખળાની આ રણનીતિ પાછળ અત્યંત ચતુરાઈભર્યું આયોજન જોવા મળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કોંગ્રેસ છોડીને 'આપ'માં જોડાયેલા ભરતસિંહે પહેલા આમ આદમી પાર્ટીનો મેન્ડેટ મેળવ્યો, ત્યારબાદ કોંગ્રેસને વિશ્વાસમાં લઈને તેમનો પણ મેન્ડેટ મેળવી લીધો. જોકે, સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે છેલ્લી ઘડીએ તેઓ ભાજપમાં ભળી ગયા અને ત્યાંથી પણ સત્તાવાર મેન્ડેટ મેળવવામાં સફળ રહ્યા. આમ, સ્થાનિક રાજકીય સમીકરણોનો લાભ ઉઠાવી ભરતસિંહ ટેકનિકલી એકસાથે ત્રણેય પક્ષોના પ્રતિનિધિ બની બેઠા છે, જેણે વહીવટી તંત્રને મૂંઝવણમાં મૂકી દીધું છે. બચુ ખાબડના ગઢમાં ગાબડું પાડવાની ભાજપની નીતિ?
પીપેરો બેઠક ભાજપના દિગ્ગજ નેતા બચુ ખાબડનો ગઢ હોવા છતાં, પક્ષે તેમના જ જૂના હરીફ ભરતસિંહ વાખળાને મેન્ડેટ આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અગાઉ મનરેગા કૌભાંડ મુદ્દે બચુભાઈના પરિવાર સામે મોરચો માંડનાર અને 2022ની ચૂંટણીમાં 'આપ' તરફથી તેમને કાંટાની ટક્કર આપનાર ભરતસિંહને ભાજપે ટિકિટ આપતા, પક્ષની આંતરિક રણનીતિ સામે સવાલો ઉભા થયા છે. શું ભાજપ બચુભાઈના વિકલ્પ તરીકે ભરતસિંહને તૈયાર કરી રહ્યું છે કે પછી ભરતસિંહની સ્થાનિક પકડને કારણે પક્ષે આ નિર્ણય લેવો પડ્યો, તે ચર્ચાએ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ માટે મોટી કસોટી
ગુજરાતના ચૂંટણી ઇતિહાસની આ અભૂતપૂર્વ ઘટનામાં એક જ ઉમેદવારે ત્રણ પક્ષના મેન્ડેટ રજૂ કરતાં કાયદાકીય મડાગાંઠ સર્જાઈ છે. નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ એકસાથે અનેક પક્ષોના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડી શકતી નથી, જેના કારણે ચૂંટણી અધિકારીઓ અત્યારે મૂંઝવણમાં છે. હવે 15મી એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી દરમિયાન એ નક્કી થશે કે ભરતસિંહનું કયું ફોર્મ માન્ય ગણાય. જો તેઓ કોઈ પણ એક પક્ષ પસંદ કરીને બાકીના ફોર્મ પરત નહીં ખેંચે, તો ટેકનિકલ કારણોસર તેમનું ઉમેદવારી પત્ર રદ થવાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. સ્થાનિક પક્ષ પ્રમુખોના નિવેદનો અને મજબૂરી
આ સમગ્ર ઘટના બાદ ત્રણેય પક્ષોના જિલ્લા પ્રમુખો રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયા છે. ભાજપ જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયાએ જણાવ્યું હતું કે ભરતસિંહે છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાવાની અને પક્ષના શિસ્ત મુજબ લડવાની તૈયારી બતાવતા તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસના હર્ષદ નિનામાનું કહેવું છે કે ભરતસિંહે કોંગ્રેસના વિચાર સાથે જોડાવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટીના રાકેશ બારિયાએ તો ત્યાં સુધી કહ્યું કે ભરતસિંહ અમારી પાર્ટીના જ સભ્ય છે. આ નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે ભરતસિંહે દરેક પક્ષને અંધારામાં રાખીને અથવા તો પોતાની લોકપ્રિયતાના જોરે ત્રણેયને નમવા મજબૂર કર્યા છે. હું ભાજપમાંથી ચૂંટણી લડીશ: ભરતસિંહ
આ બાબતે ભરતસિંહે ખુલાસો કરતા જણાવ્યું કે, મને બે-ત્રણ લોકોના ફોન આવ્યા ત્યારે મને ખબર પડી કે મારા ત્રણ મેન્ડેડ આવ્યા છે. પણ મેં હવે નક્કી કર્યું છે કે, હું ભાજપમાંથી ચૂંટણી લડીશ. અને બાકીના બે મેન્ડેડમાં મેં સોંગદનામું કર્યું છે કે, મારે કોંગ્રેસ કે આપમાંથી ચૂંટણી લડવી નથી.
Read Original Article →