દાહોદમાં 'પાયલોટ દિવસ' ઉજવાયો, 108 કર્મીઓ સન્માનિત:સેન્ટ્રલ ઝોનના ઉત્કૃષ્ટ કર્મચારીઓને Dy.SP અને તબીબી અગ્રણીઓની હાજરીમાં એવોર્ડ

Gujarat5/27/2026, 10:29:59 AM
દાહોદમાં 'પાયલોટ દિવસ' ઉજવાયો, 108 કર્મીઓ સન્માનિત:સેન્ટ્રલ ઝોનના ઉત્કૃષ્ટ કર્મચારીઓને Dy.SP અને તબીબી અગ્રણીઓની હાજરીમાં એવોર્ડ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્રારા દાહોદ જિલ્લામાં 'પાયલોટ દિવસ' નિમિત્તે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 24 કલાક જનસેવા પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની નિષ્ઠા અને જીવનરક્ષક કામગીરીને બિરદાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં સેન્ટ્રલ ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા પાઇલોટ, ઇએમટી (એમર્જન્સી મેડિકલ ટેકનિશિયન), કેપ્ટન તેમજ વિવિધ પ્રોજેક્ટના કર્મીઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદના Dy.SP જગદીશ ભંડારી, ADHO ગીરવર બારીયા, RCHO ડૉ. અશોક ડાભી તેમજ ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડીન અને સીઇઓ સંજય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, 108 હેડ ઓફિસથી એસસીએમ ડિપાર્ટમેન્ટના હેડ આશિષ મુલે, ઇઆરસી વિભાગના હેડ તુષાર મહેતા, ક્વોલિટી વિભાગના હેડ મિહિર ગજ્જર, પ્રોગ્રામ મેનેજર અને ઇએમઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કર્મચારીઓને તેમની ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠા, સમયસરની કટોકટી સેવા અને માનવતાવાદી અભિગમ માટે મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. હાલમાં દાહોદ જિલ્લામાં 60 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીઓ માટે મહત્વપૂર્ણ સેવા પૂરી પાડે છે. વક્તાઓએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સના પાઇલોટ માત્ર વાહન ચલાવતા નથી, પરંતુ કટોકટીના સમયમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનું કાર્ય કરે છે. આ સન્માન સમારોહથી કર્મચારીઓમાં નવી ઊર્જા અને માનવ સેવા પ્રત્યે વધુ સમર્પણની ભાવનાનો સંચાર થયો હતો.
Read Original Article →