દાહોદમાં પ્રભારી સચિવ વિજય ખરાડીએ સમીક્ષા બેઠક યોજી:પ્રજાકીય પ્રશ્નોના ગુણવત્તાસભર નિકાલ માટે અધિકારીઓને સ્થળ મુલાકાત સૂચવી
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસલક્ષી કાર્યો અને મહત્વના મુદ્દાઓ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના મુખ્ય વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરીને લોકહિતના કાર્યોને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો. કલેકટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પથિક દવેએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોની પ્રગતિ અને આંકડાકીય વિગતો રજૂ કરી. દાહોદ જિલ્લાના વિવિધ વિકાસ ઇન્ડિકેટર્સ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ પ્રભારી સચિવને દરેક વિભાગની સક્રિયતા, પડકારો અને આગામી લક્ષ્યાંકો વિશે વિગતવાર માહિતી આપી. સમીક્ષા દરમિયાન પીવાના પાણીની સુવિધા, રોડ-રસ્તાનું નેટવર્ક, રોજગારી અર્થે થતું માઈગ્રેશન જેવા ગંભીર પ્રજાકીય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, એમજીવીસીએલ, પુરવઠા, આઈસીડીએસ અને બેંકિંગ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓની પણ સમીક્ષા થઈ. આયોજન હેઠળ મંજૂર થયેલા, પ્રગતિ હેઠળના અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિકાસ કાર્યોની વર્તમાન સ્થિતિ અંગે ગહન ચર્ચા કરાઈ. પ્રભારી સચિવ વિજય ખરાડીએ જળ સંચય, સુજલામ-સુફલામ યોજના, સ્વચ્છતા અભિયાન અને વીજ પુરવઠા સંબંધિત કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી. તેમણે અધિકારીઓને માત્ર કાગળ પર નહીં, પરંતુ પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા તાકીદ કરી. તમામ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે, કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવા કડક વલણ અપનાવવા જણાવ્યું. આ બેઠકમાં ધારાસભ્ય મહેશ ભૂરિયા, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જેવા લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા અને સ્થાનિક રજૂઆતો કરી. નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, દેવગઢ બારિયા અને દાહોદના નાયબ વન સંરક્ષક, તમામ પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →