દાહોદ નગરપાલિકા ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન:9 વોર્ડની 36 બેઠકો પર 66,777 મતદારો, 28 એપ્રિલે મતગણતરી
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ જાહેરાત સાથે જ દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દાહોદ નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ, આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ મતદાન થશે અને 28 એપ્રિલ, 2026 ના રોજ મતગણતરી હાથ ધરાશે.દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રસપ્રદ જંગ જોવા મળશે. પ્રાથમિક મતદાર યાદી અનુસાર, નગરપાલિકા વિસ્તારમાં કુલ 66,777 મતદારો નોંધાયેલા છે. આ મતદારોમાં 33,805 પુરુષ મતદારો અને 32,972 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શહેરના વિકાસની દિશા નક્કી કરશે.ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે સંપન્ન કરવા માટે ચૂંટણી પંચે વોર્ડ અને બેઠકોનું માળખું સ્પષ્ટ કર્યું છે. દાહોદ નગરપાલિકાના કુલ 9 વોર્ડ માટે ચૂંટણી યોજાશે, જેમાં 36 બેઠકો પર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. મતદાનના દિવસે મતદારોને કોઈ હાલાકી ન પડે તે માટે સમગ્ર વિસ્તારમાં કુલ 56 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. ચૂંટણીને નિષ્પક્ષ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે સ્ટાફની ફાળવણી કરાઈ છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં કુલ 392 પોલિંગ સ્ટાફના કર્મચારીઓ ફરજ બજાવશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને પોલિંગ ઓફિસર્સનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ સાથે જ યોજાતી હોવાથી સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવાયો છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રસારના કારણે દાહોદમાં રાજકીય માહોલ વધુ ગરમાશે.
Read Original Article →