દાહોદમાં 12 થી 20 જૂન જનકલ્યાણ શિબિર:છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચશે
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 12 થી 20 જૂન, 2026 દરમિયાન વિશેષ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. 'વિકસિત ભારત @2047' અને 'વિકસિત ગુજરાત @2047'ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ શિબિરો પાયાની ભૂમિકા ભજવશે. આ શિબિરો દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં આયુષ્માન ભારત, પી.એમ. સૂર્યઘર યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, લખપતિ દીદી, નમોશ્રી યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, તેમજ મુખ્યમંત્રી લક્ષ્મી અને સરસ્વતી યોજના સહિતની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. નાગરિકોને સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ વિશે માહિતગાર કરવા પર પણ શિબિરમાં વિશેષ ભાર મૂકવામાં આવશે. શિબિર સ્થળો પર પ્રદર્શનીનું આયોજન કરાશે અને બુકલેટ તથા પત્રિકાઓનું વિતરણ કરાશે. લાભાર્થીઓને યોજના સંબંધિત તમામ માહિતી અને સહાય એક જ સ્થળેથી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ અરજદારો માટે શિબિરમાં અલગ અને સુવિધાપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી તેમને કોઈ અગવડતા ન પડે. આ શિબિરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શાળાના બાળકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક અને આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી પત્રિકાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. જનકલ્યાણ શિબિરના સુચારુ અને અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ જન સેવા કેન્દ્રો અને ઈ-સેવા સોસાયટીના માધ્યમથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ શિબિર વંચિત રહી ગયેલા પાત્ર લાભાર્થીઓ માટે એક સુવર્ણ તક પૂરી પાડશે અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
Read Original Article →