ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, 5 દિગ્ગજ પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા:જનતાની સેવાની દુહાઈ આપી લક્ષ્મણ રાજગોર અને મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો

Gujarat4/10/2026, 11:57:58 AM
ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, 5 દિગ્ગજ પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા:જનતાની સેવાની દુહાઈ આપી લક્ષ્મણ રાજગોર અને મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો
દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં મસમોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણીમાં જૂના જોગીઓને કાપીને તમામ વોર્ડમાં નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની જે 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી છે, તેને લઈને પક્ષના પાયાના કાર્યકરો અને પૂર્વ પદાધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ હવે ખુલ્લી બળવાખોરીના સ્વરૂપમાં સામે આવ્યો છે, જેમાં ભાજપના 5 જેટલા પ્રભાવશાળી પૂર્વ નગરસેવકોએ પક્ષ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની હાજરીમાં આ તમામ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા શહેરના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. પક્ષપલટાની આ ઘટનાએ ભાજપના મજબૂત ગઢ ગણાતા દાહોદમાં સત્તાના સમીકરણોને વેરવિખેર કરી દીધા છે. દિગ્ગજ નેતાઓના પક્ષપલટાથી ભાજપમાં સોપો પડી ગયો ભાજપ માટે સૌથી મોટો ઝટકો પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરનું રાજીનામું માનવામાં આવે છે. લક્ષ્મણ રાજગોર દાહોદ ભાજપનો એક મજબૂત સ્તંભ ગણાતા હતા, પરંતુ ટિકિટ વિતરણમાં તેમની અવગણના થતા તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે પૂર્વ નગરસેવક અહેમદ ચાંદ, માસુમાબેન ગરબાડાવાલા, અશ્વતબેન દલાલ અને કિંજલબેન પરમારે પણ ભાજપને અલવિદા કહી દીધું છે. આ પાંચેય નેતાઓ પોતપોતાના વિસ્તારમાં લોકપ્રિયતા અને જનસમર્થન ધરાવે છે. ગતરોજ આ નેતાઓએ ભાજપના સક્રિય સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપ છાવણીમાં મૌન છવાઈ ગયું છે. લક્ષ્મણ રાજગોરનો આકરો પ્રહાર: "ભાજપમાં લોકશાહી ખતમ થઈ" કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ કારોબારી ચેરમેન લક્ષ્મણ રાજગોરે ભાજપના સ્થાનિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ભાજપમાં અત્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા 4 થી 5 લોકો જ આખી નગરપાલિકાનો વહીવટ ચલાવે છે. પાયાના કાર્યકરો કે જેણે વર્ષો સુધી પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો છે, તેમની કોઈ કિંમત રહી નથી." વધુમાં તેમણે ધડાકો કર્યો હતો કે તેમને પક્ષ ન છોડવા માટે ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જનતાની સેવા કરવા માટે અને પોતાના સ્વાભિમાન માટે તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો મક્કમ નિર્ણય લીધો છે. જનતાની લાગણી અને સેવાનો ઉદ્દેશ્ય સર્વોપરી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ નગરસેવકોએ એકસૂરે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર સત્તા મેળવવાનો નથી, પરંતુ જનતાની સેવા કરવાનો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી દાહોદની જનતા જે નેતૃત્વ જોઈ રહી છે, તેમાં પરિવર્તન અનિવાર્ય બન્યું છે. ભાજપમાં પાયાના કાર્યકરોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. માસુમાબેન ગાંગડીએ જણાવ્યું હતું કે, "અમે પક્ષ ભલે બદલ્યો હોય, પણ અમારી કાર્યપદ્ધતિ અને લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ એ જ રહેશે." આ નેતાઓએ દાવો કર્યો છે કે તેમના મતદારો અને સમર્થકો પણ આ નિર્ણયથી ખુશ છે અને તેમને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. કોંગ્રેસની માસ્ટરસ્ટ્રોક રણનીતિ: ઉમેદવારો પાસે કરાવ્યા સોગંદનામા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ ભાજપના પાંચેય પૂર્વ નગરસેવકોને આવકારતા ભાજપના 'ભ્રષ્ટ શાસન' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શહેરમાં રસ્તા, પીવાના પાણી અને રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રસ્ત છે. આ વખતે કોંગ્રેસે એક નવી અને કડક રણનીતિ અપનાવી છે. પક્ષમાં જોડાયેલા તમામ પાંચેય પૂર્વ કાઉન્સિલરો પાસે કાયદેસરનું સોગંદનામું કરાવવામાં આવ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ તેઓ કોઈ પણ લોભ-લાલચમાં આવીને કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જશે નહીં. આ પગલાથી કોંગ્રેસે મતદારોને એ ખાતરી આપી છે કે તેમનો મત એળે જશે નહીં. 'નો રિપીટ થિયરી' ભાજપ માટે આત્મઘાતી સાબિત થશે? ભાજપે એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) રોકવા માટે જે 'નો રિપીટ થિયરી' અમલમાં મૂકી છે, તે અત્યારે ઉંધી પડતી જણાય છે. વર્ષોથી જનતા વચ્ચે રહેતા અને પક્ષનું કામ કરતા નેતાઓને અચાનક કાપી નાખવાથી કેડર લેવલે ભારે અસંતોષ છે. ભાજપના જે નેતાઓ કોંગ્રેસમાં ગયા છે, તેઓ તો દેખીતી રીતે પક્ષને નુકસાન પહોંચાડશે જ, પરંતુ જેઓ હજુ ભાજપમાં રહી ગયા છે અને ટિકિટથી વંચિત છે, તેઓ પણ અંદરખાને 'ભીતરઘાત' કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. ભાજપ દ્વારા નારાજ નેતાઓને મનાવવાના તમામ પ્રયાસો અત્યાર સુધી તો નિષ્ફળ રહ્યા છે. દાહોદમાં હવે ત્રિપાંખિયો જંગ અને નવા રાજકીય સમીકરણો દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. હવે ભાજપના પાંચ મજબૂત ચહેરાઓ કોંગ્રેસમાં જોડાતા જંગ વધુ રોમાંચક બન્યો છે. આ પક્ષપલટાથી અમુક વોર્ડમાં ભાજપના સમીકરણો સાવ બદલાઈ ગયા છે. ભાજપ હવે 'નવા ચહેરા' અને 'મોદી કાર્ડ' પર ભરોસો રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ 'અનુભવી ચહેરા' અને 'સ્થાનિક રોષ'નો ફાયદો ઉઠાવવા માંગે છે. ચૂંટણીના પરિણામો પર સૌની મીટ દાહોદની જનતા આ પક્ષપલટાને કઈ રીતે લે છે તે તો આવનારો સમય જ બતાવશે. એકતરફ ભાજપનું સંગઠન માળખું છે અને બીજી તરફ કોંગ્રેસમાં જોડાયેલા અનુભવી લોકપ્રતિનિધિઓ છે. શું જનતા વર્ષોથી જોડાયેલા આ નેતાઓને પક્ષ બદલ્યા પછી પણ સ્વીકારશે? કે પછી ભાજપના કમળ પર ફરી વિશ્વાસ મૂકશે? આ તમામ સવાલોના જવાબ ચૂંટણીના પરિણામો સાથે જ મળશે. હાલ તો એટલું ચોક્કસ છે કે 5 નગરસેવકોના રાજીનામાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે અને કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો છે.
Read Original Article →