દાહોદમાં ચૂંટણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી:5 થી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ; ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓને કારણે દાહોદ જિલ્લામાં તા. 01/04/2026 થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ચૂંટણી અન્વયે આગામી તા. 26/04/2026 ના રોજ મતદાન અને તા. 28/04/2026 ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. 30/04/2026 સુધીમાં પૂર્ણ થનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર શાંતિ અને સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ અધિક્ષકશ્રી, દાહોદની દરખાસ્તને ધ્યાને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ મંજૂરી વિના મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર નિયંત્રણો લાદવાની આવશ્યકતા જણાતા આ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ (GAS) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 37(3) હેઠળ મળેલી સત્તાની રૂએ દાહોદ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. 06/04/2026 થી તા. 20/04/2026 ના 24:00 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ અનઅધિકૃત રીતે એકત્રિત થવું, કોઈપણ પ્રકારની સભા ભરવી કે સરઘસ કાઢવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, આ હુકમમાંથી કેટલીક આવશ્યક સેવાઓ અને પ્રસંગોને મુક્તિ આપવામાં આવી છે. સરકારશ્રીના વિભાગો દ્વારા આયોજિત કાર્યક્રમો, સરકારી કે અર્ધ-સરકારી ફરજ પરના કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોને આ આદેશ લાગુ પડશે નહીં. આ ઉપરાંત, સામાજિક પરંપરા મુજબ નીકળતી સ્મશાનયાત્રાઓ અને લગ્ન વરઘોડાને પણ આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જાહેરનામાના ભંગ બદલ કડક શિક્ષાત્મક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આ હુકમનો અનાદર કરનાર કે તેમાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(3) મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
Read Original Article →