દાહોદમાં ICDS સમીક્ષા બેઠક યોજાઈ:DDO સ્મિત લોઢાનો આદેશ: આદર્શ આંગણવાડી, પોષણ સુધારવા, બેદરકાર સામે કાર્યવાહી
દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતામાં સંકલિત બાળવિકાસ યોજના ના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ICDS યોજનાના તમામ લાભાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત લાભો પહોંચાડવાનો હતો. DDO સ્મિત લોઢાએ આંગણવાડી કેન્દ્રોની કામગીરીની ગુણવત્તા સુધારવા અને તેને આદર્શ કેન્દ્રો તરીકે વિકસાવવા માટેના માપદંડો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આંગણવાડી વર્કર અને હેલ્પરની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા પર પણ ભાર મૂક્યો હતો. બેઠકમાં DDO લોઢાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુપોષણ નાબૂદ કરવા માટે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓનું કવરેજ વધારવું અનિવાર્ય છે. આંગણવાડીના નિયત સમય બાદ બાકી રહી ગયેલા બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની નોંધણી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરોને બાળકોના વાલીઓની ગૃહ મુલાકાત લઈ પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવા સૂચના અપાઈ છે. કેન્દ્રો પર વિતરણ થતી પોષણ કીટ નિયમિત મળે અને પૌષ્ટિક આહાર સ્વાદિષ્ટ તથા ગુણવત્તાયુક્ત હોય તે સુનિશ્ચિત કરવા તમામ સીડીપીઓને તાકીદ કરવામાં આવી છે. ગામડાઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ પહેલના ભાગરૂપે, દૈનિક મુલાકાત દરમિયાન બાળકોને રાબ પીવડાવતા વાલીઓ અને બાળકોના વિડિયો સોશિયલ મીડિયા તેમજ વ્હોટ્સએપ ગ્રૂપમાં અપલોડ કરવા મુખ્ય સેવિકાઓને આદેશ અપાયો છે. સુપોષિત દાહોદ પોર્ટલ પર દરેક આંગણવાડી કેન્દ્રની ફોટોગ્રાફ્સ સહિતની ગુણવત્તાયુક્ત માહિતી એન્ટ્રી કરવાની જવાબદારી મુખ્ય સેવિકા અને સીડીપીઓની રહેશે. તંત્ર દ્વારા હવે આંગણવાડીઓની કામગીરી પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવશે. મુખ્ય સેવિકા તેમજ સીડીપીઓએ રોજ આંગણવાડી કેન્દ્રોની પ્રત્યક્ષ મુલાકાત લેવાની રહેશે. ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોષીએ બેઠકમાં જણાવ્યું હતું કે, તમામ આંગણવાડી કેન્દ્રો દૈનિક ધોરણે 6 કલાક સુધી ફરજિયાત ચાલવા જોઈએ. નિયત સમયપત્રક મુજબ પ્રવૃત્તિઓ થાય અને તેનું યોગ્ય મોનિટરિંગ થાય તે માટે દરેક કાર્યકરે સુપોષિત દાહોદ પોર્ટલ પર રોજની એન્ટ્રી કરવાની રહેશે. જે આંગણવાડી કાર્યકર આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા કેન્દ્ર સમયસર નહીં ચલાવે તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, 3 થી 5 વર્ષના બાળકોની નોંધણી માટે આપેલા લક્ષ્યાંકને સમયસર પૂર્ણ કરવા માટે આંગણવાડી અને આશા વર્કરોને તાકીદ કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોષી સહિત જિલ્લાના તમામ તાલુકાના સીડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →