દાહોદમાં ધોળાદિવસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે કરોડોની લૂંટ:6 સશસ્ત્ર લૂંટારૂઓએ હુમલો કરી રૂ.1.40 કરોડની લૂંટ ચલાવી
દાહોદ શહેરના APMC માર્કેટમાં દિવસ દરમિયાન એક સનસનાટીભરી લૂંટની ઘટના બની છે. જૂની આંગડિયા પેઢી પટેલ બાબુ કાંતિલાલના કર્મચારી પાસેથી આશરે 1.40 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે વેપારી આલમમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. લૂંટારૂઓએ કર્મચારી પર હુમલો કરી કરોડોની રકમ આંચકી પ્રાથમિક વિગતો અનુસાર, આંગડિયા પેઢીનો કર્મચારી ઓફિસનું કામ પતાવીને રોકડ ભરેલો થેલો લઈને વેરહાઉસ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પહેલેથી ઘાત લગાવીને બેઠેલા 6 જેટલા હથિયારધારી લૂંટારૂઓએ તેના પર હુમલો કર્યો હતો. નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટરસાઈકલ પર આવેલા લૂંટારૂઓએ કર્મચારીને આંતરી, તેના પર હુમલો કરી રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. આ હુમલામાં કર્મચારીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટની આ સમગ્ર ઘટના માત્ર થોડી જ મિનિટોમાં આટોપીને તમામ આરોપીઓ પોતાની બાઈક પર ઝડપથી ફરાર થઈ ગયા હતા. ઘટના CCTVમાં કેદ કરોડોની આ લૂંટની ઘટના વેરહાઉસ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં લૂંટારૂઓ લૂંટ ચલાવ્યા બાદ અત્યંત ઝડપથી બાઈક ભગાડીને ઘટનાસ્થળેથી ભાગી રહ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ ઉપરાંત DYSP, LCB અને SOG સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત DYSP, LCB અને SOG સહિતની વિવિધ તપાસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને તમામ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. લૂંટાયેલી રકમનો આંકડો અંદાજ મુજબ 1.40 કરોડ પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલના તબક્કે આંગડિયા પેઢી તરફથી સત્તાવાર રીતે કોઈ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી નથી. લૂંટાયેલી રકમનો આંકડો પ્રાથમિક અંદાજ મુજબ 1.40 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવિક અને સચોટ આંકડો પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ સત્તાવાર રીતે સામે આવશે. આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા હાલ ચોક્કસ રકમની ગણતરી અને હિસાબ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ પણ આ વિસ્તારમાં નાની-મોટી ચોરીની ઘટનાઓ બની છે, પરંતુ આટલી મોટી રકમની સશસ્ત્ર લૂંટની ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ ગુનાનો ભેદ વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →