દાહોદ જીલ્લા કલેક્ટર સુરભિ ગૌતમે સમીક્ષા બેઠક યોજી:રોડ સેફટી, મહેસૂલી કામગીરી અને PM પોષણ યોજનાની ચર્ચા, વહીવટીતંત્રની કાર્યક્ષમતા વધારવા આપ્યુ માર્ગદર્શન

Gujarat6/2/2026, 12:45:56 PM
દાહોદ જીલ્લા કલેક્ટર સુરભિ ગૌતમે સમીક્ષા બેઠક યોજી:રોડ સેફટી, મહેસૂલી કામગીરી અને PM પોષણ યોજનાની ચર્ચા, વહીવટીતંત્રની કાર્યક્ષમતા વધારવા આપ્યુ માર્ગદર્શન
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં વિવિધ સરકારી વિભાગોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી યોજનાઓના અમલીકરણની ગતિ અને વહીવટી કામગીરીની પારદર્શિતા ચકાસવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. બેઠક દરમિયાન જિલ્લામાં રોડ સેફટીના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી. કલેક્ટરે અકસ્માતના બનાવો, રોડ સેફટી ડ્રાઈવ હેઠળ થયેલી કામગીરી, એલઇડી લાઈટ ધરાવતા વાહનોનું નિયંત્રણ તેમજ ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી. માર્ગ સલામતી જાળવવા માટે વહીવટીતંત્ર વધુ સક્રિય બને તેવી તાકીદ કરવામાં આવી હતી. ખેતીવાડી ક્ષેત્રે રવિ માર્કેટિંગ સીઝન માટે ખેડૂતોના રજીસ્ટ્રેશનની સ્થિતિ અને અરજીઓ અંગે સમીક્ષા થઈ. મહેસૂલ અધિકારીઓની માસિક બેઠકમાં ક્ષતિ સુધારણા પત્રક રજૂ કરાયું. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, બાકી રહેલા અભિપ્રાયો, ઇ-ધરા પોર્ટલની પેન્ડન્સી, ડિજિટલ ગુજરાત સુગમ તથા પીજી પોર્ટલ પરની ફરિયાદોના નિકાલ અંગે સઘન ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ. પીએમ પોષણ યોજનાના અમલીકરણની પણ બેઠકમાં ખાસ નોંધ લેવામાં આવી. યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થી બાળકોની વિગતો રજૂ કરાઈ. તિથિ ભોજન, ભોજનના નવીન મેનૂ, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, પુરવઠા શાખાને લગતા પ્રશ્નો, ઇ-કેવાયસી પ્રક્રિયા, વિજિલન્સ કમિટીના રિપોર્ટ અને એનએફએસ રિપોર્ટની ઊંડાણપૂર્વક સમીક્ષા થઈ. કલેક્ટરે બાળકોને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે બાબતે ભાર મૂક્યો. આ વહીવટી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષકો, વિવિધ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કલેક્ટરે તમામ વિભાગોને પડતર પ્રશ્નો અને પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ લાવી પ્રજાલક્ષી કામગીરીમાં વેગ લાવવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.
Read Original Article →