દાહોદમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ અભિયાન યોજાયું:કલેક્ટર કચેરીમાં પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્તિનો સંકલ્પ કરાયો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ કલેક્ટર કચેરીના પટાંગણમાં 'એક પેડ મા કે નામ 3.0' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્તિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગમાબેન મોહનીયાએ જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વૃક્ષારોપણ અત્યંત આવશ્યક છે. જંગલો ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિના સંતુલન અને ધરતી-નદીઓને માતા તરીકે પૂજવાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નાગરિકોને ગુજરાતને પ્રદૂષણમુક્ત અને સ્વસ્થ બનાવવામાં સહયોગ આપવા આહવાન કર્યું હતું. પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર પ્રતિબંધ જ પૂરતો નથી, પરંતુ દરેક વ્યક્તિએ પ્લાસ્ટિકના ઉપયોગમાં સંયમ રાખવો જરૂરી છે. પર્યાવરણને બચાવવા માટે જાગૃતિ લાવવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપરાંત ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વહીવટી તંત્રના અધિકારીઓએ પર્યાવરણની રક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read Original Article →