દાહોદમાં ‘પુસ્તક પરબ’ શરૂ, નિઃશુલ્ક પુસ્તક વિતરણ:યુવા પેઢીને વાંચન સાથે જોડવા દર મહિને પ્રથમ રવિવારે આયોજન
દાહોદમાં યુવા પેઢીને વાંચન સાથે જોડવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ગોધરા રોડ સ્થિત દેસાઈવાડામાં ગોવર્ધનનાથજીની હવેલી પાસે દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8:00 થી 10:30 દરમિયાન ‘પુસ્તક પરબ’નું આયોજન કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફરીથી પુસ્તકો તરફ વાળવાનો અને તેમના જીવનમાં વાંચનનું મહત્વ સમજાવવાનો છે. આ પુસ્તક પરબની વિશેષતા એ છે કે અહીં વાંચકોને કોઈપણ શુલ્ક વિના પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે. વાંચકો પુસ્તક ઘરે લઈ જઈ શકે છે અને વાંચન પૂર્ણ થયા બાદ તેને પરત જમા કરાવવાનું રહે છે. આ વ્યવસ્થાથી પુસ્તકોની આપ-લેની એક સાંકળ રચાય છે અને જ્ઞાનનો પ્રસાર થાય છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકોનું વિતરણ જ નહીં, પરંતુ સાહિત્યના જતન માટે પણ કામ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે પુસ્તકોનો સંગ્રહ હોય અને તેઓ તેને બીજાને વહેંચવા ઈચ્છતા હોય, તો પુસ્તક પરબમાં દાન સ્વરૂપે પુસ્તકો સ્વીકારવામાં આવે છે. આ રીતે પુસ્તકો ધૂળ ખાવાને બદલે વાંચકોના હાથ સુધી પહોંચીને સાર્થક બને છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં નીલમ જાદવ, અમીષાબેન પંચાલ, જહુરુદીન શેખ, રવિન્દ્રભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પરમાર અને રીતેશભાઈ સોનીની ટીમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. ટીમ દ્વારા શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને સાહિત્યપ્રેમીઓને આ મંચનો લાભ લેવા અને પુસ્તક દાન દ્વારા આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આધુનિક યુગમાં જ્યારે લોકો મોબાઈલ અને સ્ક્રીન પાછળ કલાકો વિતાવે છે, ત્યારે ‘પુસ્તક પરબ’ જેવી પહેલ યુવાનો અને બાળકોમાં પુસ્તકો પ્રત્યેની રુચિ ફરી જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ પ્રયાસો દાહોદમાં જ્ઞાનના નવા દ્વાર ખોલી રહ્યા છે અને આવનારી પેઢીને સાહિત્યિક વારસા સાથે જોડી રાખવાનું કાર્ય કરી રહ્યા છે.
Read Original Article →