દાહોદમાં વિશ્વ આરોગ્ય દિવસ, હોમિયોપેથી સપ્તાહની ઉજવણી:આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ
દાહોદ: નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ 2026' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓના સમન્વય દ્વારા સમાજને નિરોગી બનાવવાનો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. ડો. સુધીર જોશીએ 'વિશ્વ આરોગ્ય દિવસ 2026'ની થીમ ‘Together for health. Stand with science’ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓના મહત્વ પર ભાર મૂક્યો, ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે ફેલાતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સામે લડવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચના જરૂરી હોવાનું જણાવ્યું. ડો. જોશીએ 'વન હેલ્થ એપ્રોચ' સમજાવતા કહ્યું કે માનવીય સ્વાસ્થ્ય પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પર્યાવરણ સુરક્ષિત હશે તો જ માનવજાત સ્વસ્થ રહી શકશે. તેમણે ભવિષ્યની આરોગ્ય કટોકટીઓનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને વૈશ્વિક એકતાને અનિવાર્ય ગણાવી. કાર્યક્રમમાં આયુર્વેદના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્' એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આયુર્વેદને માત્ર ઉપચાર પદ્ધતિ નહીં, પરંતુ જીવન જીવવાની એક કળા તરીકે રજૂ કરવામાં આવ્યું. દિનચર્યા અને ઋતુચર્યા મુજબ જીવનશૈલીમાં ફેરફાર કરવાથી અનેક રોગોને અટકાવી શકાય છે. વક્તાઓએ ગિલોય, અશ્વગંધા અને તુલસી જેવી જડીબુટ્ટીઓ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂક્યો. શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા માટે પંચકર્મ અને માનસિક શાંતિ માટે યોગ-પ્રાણાયામની અસરકારકતા પણ સમજાવવામાં આવી. કાર્યક્રમના બીજા ચરણમાં ડો. મોના રાઠવાએ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે હોમિયોપેથી એ કુદરતી અને આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોમાં આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં સૌ ઉપસ્થિતોએ સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે સામુહિક શપથ લીધા હતા.
Read Original Article →