પ્રભારી મંત્રીનો આદેશ, વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરો:અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠકમાં આયોજનની સમીક્ષા

Gujarat6/5/2026, 10:38:50 AM
પ્રભારી મંત્રીનો આદેશ, વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરો:અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠકમાં આયોજનની સમીક્ષા
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવાનો અને વિકાસ કામોમાં ગતિ લાવવાનો હતો. કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન આ બેઠકમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વર્ષ 2025-26ના 15% વિવેકાધીન (તાલુકા, નગરપાલિકા અને જિલ્લા કક્ષા) સામાન્ય, TASP, ખાસ અંગભૂત તથા 5% પ્રોત્સાહક જોગવાઈઓ અંતર્ગત રજૂ થયેલા આયોજનને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત, વર્ષ 2023-24થી 2025-26 સુધીના સમયગાળા દરમિયાન મંજૂર થયેલા વિવિધ કામોની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા પણ કરવામાં આવી હતી. આગામી વર્ષ 2026-27માં મળવાપાત્ર રકમની જોગવાઈ મુજબ નવા વિકાસલક્ષી કામોનું આયોજન તૈયાર કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ હાથ ધરાયેલા નાણાકીય અને ભૌતિક લક્ષ્યાંકોની પ્રગતિ અંગે મંત્રી દ્વારા ખાસ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પૂર્ણ થયેલા, પ્રગતિ હેઠળના, શરૂ થયેલા તેમજ હજુ સુધી શરૂ ન થઈ શકેલા કામોનું વિભાગવાર વિશ્લેષણ કરવામાં આવ્યું. મંત્રી અર્જુન મોઢવાડિયાએ તમામ અમલીકરણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, નાગરિકોની સુવિધા માટેના વિકાસ કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ સહન કરવામાં આવશે નહીં. જે કામો હજુ શરૂ નથી થયા તેને તાત્કાલિક ધોરણે વેગ આપી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનીયા, ધારાસભ્યો બચુભાઈ ખાબડ, મહેશભાઈ ભુરીયા, મહેન્દ્રભાઇ ભાભોર, શૈલેષભાઈ ભાભોર અને કનૈયાલાલ કિશોરીએ ઓનલાઈન માધ્યમથી જોડાઈને પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગે મહત્વના સૂચનો રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, જિલ્લા આયોજન અધિકારી એ. બી. ગોહિલ સહિતના પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત અમલીકરણ અધિકારીઓ પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા. જિલ્લાના વિકાસને ગતિશીલ બનાવવા માટે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે થયેલો આ સંવાદ આગામી સમયમાં કામગીરીને વધુ અસરકારક બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
Read Original Article →