સુષ્કાલ રેતી સ્ટોક પર ટ્રક ડ્રાઈવરનું કરંટથી મોત:પાવી જેતપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી, અકસ્માત બાદ ₹1.15 લાખમાં સમાધાન થયાની ચર્ચા
સુષ્કાલ ખાતે આવેલા મીરા એન્ટરપ્રાઇઝના રેતીના સ્ટોક પર ગઈકાલે એક ટ્રક ડ્રાઈવરને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ડ્રાઈવરના પરિવાર સાથે રૂ. 1.15 લાખમાં સમાધાન થયાની ચર્ચા ચાલી રહી છે. પાવી જેતપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે બપોરે ટ્રક નંબર DD 02 9185 નો ડ્રાઈવર પ્રતાપસિંહ ખુમલાભાઈ ચૌહાણ રેતી ખાલી કર્યા બાદ ટાયરના નટબોલ્ટ ટાઈટ કરી રહ્યા હતા. તે સમયે ટ્રકનું હાઈડ્રોલિક ડાલુ ધીમે ધીમે નીચે આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજળીનો તાર ડાલા સાથે અથડાતા તાર તૂટી ગયો હતો. જેના કારણે પ્રતાપસિંહ ચૌહાણને કરંટ લાગ્યો અને તેઓ નીચે પડી ગયા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને ડ્રાઈવર પ્રતાપસિંહ ચૌહાણને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ મીરા એન્ટરપ્રાઇઝના રેતીના સ્ટોકમાં અગાઉ 26 જાન્યુઆરીના રોજ પણ એક સગીર કામદારને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આમ, છ મહિનાના ગાળામાં આ સ્ટોક પર કરંટ લાગવાથી આ બીજો મોતનો બનાવ છે. ચર્ચા મુજબ, અગાઉ સગીર કામદારના મોત બદલ રૂ. 10 લાખ અને ગઈકાલે ટ્રક ડ્રાઈવરના મોત બદલ રૂ. 1.15 લાખ આપીને મામલો પતાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. બે જીવલેણ અકસ્માતો છતાં રેતીના સ્ટોક ધારક સામે કોઈ કડક કાર્યવાહી ન થતા સ્થાનિક તંત્રની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાઓ દર્શાવે છે કે સુરક્ષાના ધોરણોનું પાલન થતું નથી અને તેના પરિણામે જાનહાનિ થઈ રહી છે.
Read Original Article →