કવાંટમાં રોડ પહોળો કરવામાં વીજપોલ અવરોધરૂપ:માર્ગ અને મકાન વિભાગની કામગીરી અટકી

Gujarat5/15/2026, 10:02:23 AM
કવાંટમાં રોડ પહોળો કરવામાં વીજપોલ અવરોધરૂપ:માર્ગ અને મકાન વિભાગની કામગીરી અટકી
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા પહોળા કરવાની કામગીરીમાં વીજ થાંભલા અવરોધરૂપ બન્યા છે. કવાંટના નસવાડી રોડ અને બોડેલી રોડ પર આ કામગીરી ચાલી રહી છે, પરંતુ વીજપોલના કારણે વિકાસ અટવાયો છે. બોડેલી રોડ પર રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન દસેક જેટલા વીજપોલ રસ્તાની બરાબર વચ્ચે આવી ગયા છે. તેમ છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ કામગીરી માર્ચ મહિનામાં શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. વીજપોલ વચ્ચે હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તાનું કાચું કામ થઈ ગયું હોવાથી લોકો જોખમી રીતે વાહનો લઈને પસાર થઈ રહ્યા છે. આ સ્થિતિમાં કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ છે. લોકો તાત્કાલિક વીજપોલ હટાવીને રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. આ સમસ્યા તંત્રના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે ઊભી થઈ છે. છોટા ઉદેપુર માર્ગ અને મકાન વિભાગે ગત 16 માર્ચ 2026ના રોજ કવાંટ એમ.જી.વી.સી.એલ.ને વીજ થાંભલા હટાવવા માટે લેખિત અરજી કરી હતી. જોકે, વીજ કંપની દ્વારા આવી કોઈ અરજી મળી ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સંકલનના અભાવે અકસ્માતનું જોખમ વધ્યું છે.
Read Original Article →