તંત્ર નિંદ્રાધીન:છોટાઉદેપુરમાં માત્ર શોભારૂપ બનેલી જર્જરિત ટાંકીથી અકસ્માતનો ભય

Gujarat4/5/2026, 12:00:00 AM
તંત્ર નિંદ્રાધીન:છોટાઉદેપુરમાં માત્ર શોભારૂપ બનેલી જર્જરિત ટાંકીથી અકસ્માતનો ભય
છોટાઉદેપુર નગરમાં આવેલ સિંધી ટારણ પાસે ચાર રસ્તા ઉપર વરસો જૂની વર્ષ 1992/93ની આસપાસના સમયમાં બની હતી. જે પાણીની ટાંકી હાલ જર્જરીત થઈ ગઈ છે અને તેમાં પાણી પણ ભરવામાં આવતું નથી. આ ટાંકી જર્જરીત હોવાના કારણે પડી જાય તેવી સંભાવનાઓ વર્તાય રહી છે. પરંતુ પ્રજાની ઉપર આવનારી મુસીબત તંત્રના ધ્યાને આવતી નથી. આ પાણીની ટાંકી રહેણાંક વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તા પાસે આવેલી હોઇ અને ભરચક રહેણાંક વિસ્તાર હોય સદર જગ્યા ઉપર લોકોની અવરજવર રહેતી હોય છે. તેવા સમયમાં કોઈ હોનારત સર્જાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન થઇ પડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રજાની સુખ સુવિધા માટે આંધળો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જૂનું બાંધકામ હોય જે જાહેર જગ્યાઓ ઉપર આવેલું હોય તેની કોઈ કાળજી રાખવામાં આવતી નથી. છોટાઉદેપુરના સિંધી ટારણ પાસે આવેલી આ પાણીની ટાંકીને તિરાડો પડી ગઈ છે. તેના સ્લેબ ઉપરના અને પીલ્લરના પોપડા ખરી રહ્યા છે. જ્યારે આ ટાંકી પડી જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અગાઉના દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિ આ ટાંકી પરથી પડી જતા મોતને ભેટ્યો હતો. રહેણાંક અને વસ્તીવાળા આ વિસ્તારમાં આવેલી આ ટાંકી ઉપરથી કોઈ પોપડા પડે અને કોઈને ઇજાઓ થાય કે કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ભર બજારે ચર્ચાઈ રહ્યો છે. પાણી માટે ઊભા કરેલા સાધનો મેન્ટેનન્સ કામગીરી નહીં કરવામાં આવતા શોભાના ગાંઠિયા સમાન હાલમાં ચાલી રહેલ કપરા ઉનાળામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. ત્યારે ખરેખર પાણીની જરૂર હોય તેવા સમયમાં તંત્ર દ્વારા પ્રજાની સુવિધાઓ માટે સાધનો ઊભા કરવામાં આવે છે. પરંતુ સમય જતા મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવતી નથી. પાણી માટે ઊભા કરેલા સાધનો શોભાના ગઠીયા સમાન થઈ પડે છે, જ્યારે પ્રજા પાણી માટે ટળવળે છે. છેલ્લા ઘણા સમયથી આ પાણીની ટાંકી ખાલી અને જર્જરીત છે. જેનું મેન્ટેનન્સ કરવું કે તેનો યોગ્ય નિકાલ કરવો જે બાબતે ધ્યાન આપવું જોઈએ. જેથી કોઈ હોનારત સર્જાય નહી તેવી લોકોની માંગ ઉઠી છે.
Read Original Article →