નાલેજ સિંચાઈ કેનાલો જર્જરિત, ખેડૂતો પાણીથી વંચિત:છોટાઉદેપુરના ચાર ગામોમાં 500 હેક્ટર જમીનને અસર, ઉનાળુ પાક મુશ્કેલ

Gujarat4/4/2026, 10:06:41 AM
નાલેજ સિંચાઈ કેનાલો જર્જરિત, ખેડૂતો પાણીથી વંચિત:છોટાઉદેપુરના ચાર ગામોમાં 500 હેક્ટર જમીનને અસર, ઉનાળુ પાક મુશ્કેલ
છોટાઉદેપુર તાલુકાના નાલેજ સહિત ચાર ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. જર્જરિત કેનાલોને કારણે ખેતરો સૂકાભઠ્ઠ બન્યા છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સિંચાઈ યોજના દ્વારા આશરે 500 હેક્ટર જમીનને પાણી મળવું જોઈએ. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે, જ્યાં ખેડૂતો નાની સિંચાઈ યોજનાઓ અને તળાવો દ્વારા ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જોકે, નાની સિંચાઈ યોજનાના અધિકારીઓના બેદરકાર વહીવટને કારણે કેનાલોની મરામત થઈ નથી, જેના પરિણામે આદિવાસી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. છોટાઉદેપુરથી પાંચ કિલોમીટર દૂર નાલેજ ખાતે જિલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ તળાવ આવેલું છે. આ તળાવ ભરેલું હોવા છતાં, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાણી ખેતરો સુધી પહોંચાડતી કેનાલો જર્જરિત થઈ ગઈ છે. કેનાલોમાં ઝાડી-ઝાખરા ઊગી નીકળ્યા છે, સાયફન તૂટી ગયા છે અને ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. આ સ્થિતિને કારણે ખેડૂતો ચોમાસુ અને શિયાળુ પાક તો લઈ શકે છે, પરંતુ ઉનાળુ પાક લઈ શકતા નથી. પરિણામે, તેમને પોતાનું વતન છોડીને મજૂરી માટે બહાર જવાની ફરજ પડી રહી છે. નાલેજ, ઓલિઆંબા, પાંધરવાંટ અને સિમલ ફળિયા ગામના ખેડૂતો આ ડેમ મારફત સિંચાઈનું પાણી મેળવતા હતા. સિંચાઈ વિભાગની વર્ષો જૂની કેનાલોમાં તિરાડો અને ગાબડાં પડવાને કારણે હજારો લિટર પાણી ખેડૂતોને મળવાને બદલે વેડફાઈ રહ્યું છે. ખેડૂતોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કેનાલો નવી બનાવવામાં આવી નથી. ખેડૂતો તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે કેનાલોનું નવીનીકરણ કરીને પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે. આ મામલે જિલ્લા પંચાયતના સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ કેનાલોના રીપેરીંગ માટે સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. મંજૂરી મળ્યેથી ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં, આ ચાર ગામના આદિવાસી ખેડૂતો ઉનાળાના સમયમાં સિંચાઈના પાણીથી વંચિત છે. વહીવટીતંત્ર ક્યારે આ કેનાલોનું સમારકામ કરીને સિંચાઈ માટે પાણી પહોંચાડશે તે જોવું રહ્યું.
Read Original Article →